ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી.
તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ પરથી ગામમાં જતા આંતરિક માર્ગ ઉપર મોટી સંખ્યામાં મરેલા મરઘા કોઈ અજાણ્યા લોકો રાત્રિ દરમ્યાન ફેંકી જતા તીવ્ર દુર્ગંધ ફેલાવા સાથે સ્થાનિકોમાં આરોગ્ય જોખમાવાની દહેશત ફેલાઈ જવા પામી હતી. આ અંગેની જાણ થતા જિલ્લા પંચાયત પ્રમુખ ડો. અમીતાબેન પટેલ, પૂર્વ સરપંચ ડો. અશ્વિન પટેલ, સરપંચ કલ્પેશ હળપતિ સહિતનાએ ધસી જઈ આરોગ્ય વિભાગને જાણ કરી રોગચાળો ન ફેલાઈ તે માટે દવા-પાઉડરનો છંટકાવ સહિતના પગલા ભરી આ મરેલા મરઘાઓના નિકાલ માટેની વ્યવસ્થા કરી હતી. તલાવચોરામાં જયાં મરેલા મરઘા જાહેરમાં આ રીતે ફેંકી દેવાયા છે, તે વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે ત્યારે આ પ્રકારની હરકત કરનારા સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.