National

UP પોલીસે 38 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી બચાવી, આ કારણથી કર્યા 6 હજાર બેંક ખાતા બંધ

ઉત્તર પ્રદેશના (UP) 15 લાખ લોકો સાથે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 15 લાખ લોકોના ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરવાના હતા પરંતુ તેને બચાવી (Safe) લેવાયા છે. આ 15 લાખ લોકો અન્ય કોઈ નહીં પરંતુ ઓનલાઈન ગેમિંગ (Online Gaming) અને સટ્ટાબાજીમાં રસ ધરાવતા લોકો હતા. જેમને સોશિયલ મીડિયા સાઇટ્સ પરથી ગેમિંગ અને સટ્ટાબાજીની ઓફર આપવામાં આવી રહી હતી પરંતુ સમય જતાં યુપી પોલીસે 38 હજાર કરોડ રૂપિયાની આ મોટી છેતરપિંડી અટકાવી દીધી છે. જોકે આ કામગીરી છતાંય 600 કરોડની છેતરપિંડી થઈ ચૂકી છે. આ સાયબર ફ્રોડની સૌથી મોટી રમત વિદેશમાં રમાઈ રહી છે.

  • UP પોલીસે 38 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી બચાવી
  • છેતરપિંડીના તાર વિદેશો સાથે જોડાયેલા હતા

એક કંપનીએ શાહગંજના પોલીસ સ્ટેશનમાં લગભગ 5 મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. ચીન, રશિયા, વિયેતનામ અને ફિલિપાઈન્સમાં બેસીને દેશમાં સૌથી મોટી છેતરપિંડી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના લોકોને આ છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવી રહ્યા હતા. આ લોકો OTT પ્લેટફોર્મ પરથી ડેટા ચોરીને અને આ દેશોના સર્વર દ્વારા રી-સ્ટ્રીમિંગ કરીને છેતરપિંડી કરી રહ્યા હતા.

લોકોને સોશિયલ સાઈટ પરથી સટ્ટાબાજી માટે ઓફર આપવામાં આવી હતી
આ સાયબર ગુનેગારો OTT પ્લેટફોર્મ પરથી ડેટા ચોરી કરતા હતા અને લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા લોકો સાથે સટ્ટો લગાવતા હતા. હવે આ કામમાં લોકોને કેવી રીતે સામેલ કરવા તે શોધવાનો વારો હતો. આ માટે વિદેશમાં બેઠેલા આ ગુંડાઓએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. આ છેતરપિંડી કરનારાઓ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવી સાઇટ્સ દ્વારા લોકો સાથે જોડાતા હતા અને પછી તેમને મોટો નફો કમાવવાની લાલચ આપતા હતા. તેઓ લોકોને બેટિંગ માટે તૈયાર કરતા હતા અને શરૂઆતના તબક્કામાં દાવ લગાવનારા લોકોને સારો નફો પણ આપતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે 30 ટકા સુધી કમિશન આપવામાં આવતું હતું.

આ સાયબર ગુનેગારો આવી 25-30 વેબસાઈટ ખોલીને બેઠા હતા. થોડા સમય માટે લોકો વેબસાઇટ પર સટ્ટો લગાવતા હતા અને તેમાંથી કરોડો રૂપિયા કમાતા હતા પરંતુ ત્યાર બાદ જ્યારે કમાણી કરોડોમાં પહોંચે ત્યારે તેઓ તે વેબસાઇટ છોડીને નવી સાઇટ બનાવી લેતા હતા. આ રીતે તેઓ ઘણી વેબસાઈટ પર છેતરપિંડીનું કામ કરતા હતા. લોકો પણ તેમની જાળમાં ફસાઈ રહ્યા હતા. કારણકે શરૂઆતના તબક્કામાં સારી કમાણી થતી હતી. લોકો તેમના પર વિશ્વાસ કરવા લાગ્યા અને પછી આ વિશ્વાસનો લાભ લઈને તેઓ લોકો પાસેથી પૈસા પડાવતા હતા.

તેઓએ ઉત્તર પ્રદેશના લગભગ દરેક જિલ્લામાં પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું. તે લોકોએ પોતાના કમિશન એજન્ટોને પણ રાખ્યા જેઓ તેમના પ્રચાર કાર્યની દેખરેખ રાખતા હતા. એજન્ટોને કમિશન તરીકે મોટી રકમ આપવામાં આવતી હતી અને તેમનું કામ લોકોને આ લાલચમાં ફસાવવાનું હતું. આ સિવાય તેમણે દેશભરની બેંકોમાં નકલી ખાતા પણ ખોલાવ્યા હતા. આ ખાતા પણ સ્થાનિક એજન્ટોની મદદથી ખોલવામાં આવ્યા હતા. નકલી દસ્તાવેજોના આધારે ખોલવામાં આવેલા આ બેંક ખાતાઓની મદદથી જ પૈસાની લેવડદેવડ થતી હતી. જેમાં સેવિંગ્સ એકાઉન્ટ અને કરન્ટ એકાઉન્ટ બંનેનો સમાવેશ થાય છે.

લોકો સાથે 600 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી
અત્યાર સુધી આ બેંક ખાતાઓ દ્વારા લગભગ 600 કરોડ રૂપિયાની ડીલ થઈ ચૂકી છે. આ ગુંડાઓની રોજની કમાણી કરોડો રૂપિયામાં હતી અને તેથી તેઓ કમિશન એજન્ટોને પણ મોટી રકમ ચૂકવતા હતા. આ ખેલ ઘણા મહિનાઓ સુધી ચાલતો રહ્યો. હવે પોલીસે આ કેસમાં 6000 નકલી બેંક ખાતા બંધ કરી દીધા છે. વિદેશમાં બેઠેલા આ ગુનેગારોની સૂચનાથી આ બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. આ ખાતાઓ દ્વારા 38 હજાર કરોડ રૂપિયાની ડીલ થવાની હતી. પોલીસ હવે તેમની સાથે જોડાયેલા લોકોની ઓળખ કરી રહી છે.

Most Popular

To Top