National

હું કહું છું ભ્રષ્ટાચાર હટાવો, તેઓ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો, જેણે લૂંટ્યું છે તેઓએ પાછું આપવું પડશે- PM મોદી

મેરઠઃ (Meerut) મોદીએ ઉત્તર પ્રદેશના મેરઠમાં પોતાની પ્રથમ ચૂંટણી રેલીને (Election Rally) સંબોધી હતી. મોદીએ તેમના ભાષણની શરૂઆત ભારત માતા કી જય સાથે કરી હતી. તેમણે કહ્યું કે આ ધરતી પર બાબા ઔધડધામ અને તેમના આશીર્વાદ છે. મેરઠની આ ધરતી ક્રાંતિ અને ક્રાંતિકારીઓની ભૂમિ છે. આ ભૂમિએ દેશને ચૌધરી ચરણસિંહ જેવા મહાન પુત્રો આપ્યા છે. અમારી સરકારને તેમને ભારત રત્ન આપવાનું સૌભાગ્ય મળ્યું છે. જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોદીએ મેરઠથી જ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

મેરઠ વાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યો છું અને તેનાથી કેટલાક લોકો ગભરાઈ ગયા છે. તે પોતાનું ધૈર્ય ગુમાવી બેઠા છે. હું કહું છું કે ભ્રષ્ટાચાર હટાવો, તે કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો. આ ચૂંટણીમાં બે છાવણી વચ્ચે જંગ છે. એક જે ભ્રષ્ટાચારીઓને બચાવવા માંગે છે અને એક જે ભ્રષ્ટાચાર દૂર કરવા માંગે છે. મોદીએ જનસભામાં હાજર લોકોને પૂછ્યું કે આનો અંત આવવો જોઈએ કે નહીં? તેના પર લોકોએ હાથ ઊંચા કરીને કહ્યું કે હા ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભ્રષ્ટાચાર સામે મોટી લડાઈ શરૂ થઈ છે. અમે સુનિશ્ચિત કર્યું કે કોઈ ગરીબના પૈસાની ઉચાપત કરી શકે નહીં તેથી અમે 10 કરોડથી વધુ નકલી લાભાર્થીઓને યોજનાઓમાંથી દૂર કર્યા છે. આમ કરવાથી 3.45 લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા.

પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે પણ ત્રીજા કાર્યકાળની તૈયારી શરૂ કરી દીધી છે. અમે આગામી પાંચ વર્ષનો રોડમેપ બનાવી રહ્યા છીએ. નવી સરકારની રચના બાદ પ્રથમ 100 દિવસમાં લેવામાં આવનાર નિર્ણયો પર કામ ચાલી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં વિકાસની જે ગતિ સર્જાઈ છે તે હવે વધુ ઝડપથી આગળ વધશે. છેલ્લા દસ વર્ષમાં વિકાસનું ટ્રેલર જોયું છે. હવે આપણે દેશને આગળ લઈ જવાનો છે. મોદીને માત્ર આજની પેઢીની જ નહીં પરંતુ આવનારી પેઢીની પણ ચિંતા છે. એનડીએ સરકારના 10 વર્ષનું રિપોર્ટ કાર્ડ તમારી સામે છે. આ 10 વર્ષમાં આવા અનેક કામો થયા છે. જે પહેલા અસંભવ માનવામાં આવતા હતા. હવે તમે જુઓ, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ગયું છે. લોકોને આ અશક્ય લાગતું હતું, પરંતુ રામ મંદિર બની ગયું છે. આ વખતે રામલલાએ અવધમાં ખૂબ હોળી રમી હતી.

કાર્યક્રમમાં સીએમ યોગી અને મેરઠથી ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ હાજર હતા. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની સાથે મંચ પર સહયોગી પક્ષોના ચાર નેતાઓ હાજર હતા. જેમાં આરએલડીના વડા જયંત ચૌધરી, અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલ, સુભાસપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓપી રાજભર, નિષાદ પાર્ટીના સંજય નિષાદનો સમાવેશ થાય છે.

Most Popular

To Top