ઉત્તર પ્રદેશની મઉ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીને (Mukhtar Ansari) ગાઝીપુરના કાલીબાગના કબ્રસ્તાનમાં (Kabrastan) દફનાવવામાં આવ્યા હતા. મુખ્તારના અંતિમ સંસ્કાર દરમિયાન સમર્થકોનો મોટો મેળાવડો જોવા મળ્યો હતો પરંતુ બહારના લોકોને કબ્રસ્તાનની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મુખ્તારના પુત્ર ઉમર અંસારીએ અંતિમ ક્ષણે પિતાની મૂછોને (Mustache) તાવ આપી વિદાય આપી હતી.
મુખ્તારના મોટા ભાઈ સાંસદ અફઝલ અંસારી, પૂર્વ ધારાસભ્ય સિબગતુલ્લા અંસારી, ભત્રીજા મુહમ્દાબાદના ધારાસભ્ય સુહૈબ અંસારી, પુત્ર ઓમર અંસારી બધાએ મુખ્તારની કબર પર માટી નાખીને અંતિમ વિદાય આપી. મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શનિવાર સવારથી જ લોકોનો જમાવડો શરૂ થઈ ગયો હતો. ધીમે ધીમે લોકોની સંખ્યા વધતી ગઈ. આ દરમિયાન મોટી ભીડને કારણે લોકોને કબ્રસ્તાનની બહાર રોકી દેવામાં આવ્યા હતા. માહિતી મળી રહી છે કે 50 લોકોને જ અંદર જવા દેવામાં આવ્યા હતા.
મુખ્તારના જનાજા દરમ્યાન 3000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત હતા. પરિવારના સભ્યો સિવાય કબ્રસ્તાનની અંદર કોઈને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મુખ્તાર અંસારીના મોત બાદ ગાઝીપુર જિલ્લામાં દરેક ખૂણા પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. શુક્રવારે મધરાત બાદ મૃતદેહ ઘરે પહોંચ્યો ત્યારે અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. મુખ્તારના ઘરની આસપાસ બેરિકેડિંગ કરીને ભીડને નિયંત્રિત કરવામાં આવી હતી. સવારથી લોકોના ટોળા ફરી એકઠા થવા લાગ્યા હતા. આ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારમાં પાંચ હજારથી વધુ લોકો સામેલ થયા હતા.
બાંદા મેડિકલ કોલેજથી એમ્બ્યુલન્સમાં શુક્રવારે સાંજે લગભગ 4.43 કલાકે તેમના મૃતદેહને ગાઝીપુર મોકલવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ સહિત 21 વાહનો સાથે, બાંદાથી ગાઝીપુરનું અંતર લગભગ 8.32 કલાકમાં કવર કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સ બાંદાથી ફતેહપુર, કૌશામ્બી, પ્રયાગરાજ અને ભદોહી થઈને લગભગ 10.32 વાગ્યે વારાણસી પહોંચી હતી, પછી ગાઝીપુર જવા રવાના થઈ હતી. મુખ્તારનો નાનો દીકરો ઓમર અંસારી અને મોટી વહુ નિખત અંસારી મૃતદેહ લઈને બાંદાથી આવ્યા હતા.
ડીએમ-એસપી અને જજ બાંદા જેલ પહોંચ્યા
મુખ્તાર અંસારીના મૃત્યુ કેસની તપાસ તેજ કરવામાં આવી છે. જિલ્લા ન્યાયાધીશ અને ડીએમ દુર્ગા શક્તિ નાગપાલ, એસપી અંકુર અગ્રવાલે જેલમાં મુખ્તાર અંસારી કેસ સાથે સંબંધિત તપાસ હાથ ધરી હતી. જેલનું પણ નિરીક્ષણ કર્યું હતું. સંબંધિત ફાઇલોની સમીક્ષા કરવામાં આવી હતી. જોકે બહાર આવ્યા બાદ તેમણે મીડિયાને કોઈ જવાબ આપ્યો ન હતો.