National

UP: ઝાંસી-કાનપુર હાઈવે પર ગંભીર અકસ્માત, DCM અને કાર વચ્ચે ટક્કરમાં વરરાજા સહિત ચાર જીવતા ભૂંજાયા

યૂપીના (UP) ઝાંસી કાનપુર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં (Accident) ચાર લોકોના મોત થયા હતા. ડીસીએમ અને કારની ટક્કરમાં કારમાં આગ લાગી જતાં તરત જ ભડભડ સળગવા લાગી હતી. આ દુર્ઘટનામાં લગ્નનો વરઘોડો લઈ જઈ રહેલા વરરાજા સહિત 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.

શુક્રવારે મોડી રાત્રે ઝાંસી-કાનપુર હાઈવે પર પોલીસ સ્ટેશન બારાગાંવના પરીછા ઓવરબ્રિજ પર એક ભીષણ માર્ગ અકસ્માતમાં લગ્નનો વરઘોડો લઈ જઈ રહેલી વરરાજાની કારને એક ઝડપી ડીસીએમ દ્વારા પાછળથી ટક્કર મારી દેવાઈ હતી. અકસ્માતમાં કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં સવાર વરરાજા, તેનો સાત વર્ષનો માસૂમ ભત્રીજો અને લગ્નના વરઘોડાના ચાર સભ્યો ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ ગયા હતા. કારમાં મુસાફરી કરી રહેલા બે લોકોનો કોઈ રીતે આબાદ બચાવ થયો હતો. બંનેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને પગલે પરિવારમાં શોકનો માહોલ છે.

એરિચ પોલીસ સ્ટેશનના બિલાતી ગામનો રહેવાસી આકાશ (23) લગ્નનો વરઘોડો લઈને બાડા ગામ પોલીસ સ્ટેશનના છાપર ગામ જઈ રહ્યો હતો. આકાશ, તેનો ભત્રીજો ઈશુ (7) ભાઈ આશિષ (20) અને પરિવારના અન્ય સભ્યો તેની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. શુક્રવારે રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં તેમની કાર પરીછા ઓવર બ્રિજ નજીક પહોંચી કે તરત જ પાછળથી આવી રહેલા ડીસીએમએ કારને જોરથી ટક્કર મારી હતી. ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી. લગ્નના તમામ મહેમાનો અંદર ફસાઈ ગયા હતા. કોઈ બહાર આવી શક્યું ન હતું.

પરિવારના અન્ય સભ્યો પણ વરરાજાની કારથી થોડે દૂર હતા. તે પહોંચ્યા ત્યાં સુધીમાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. પોલીસે કોઈક રીતે આગ ઓલવી અને લોકોને અંદરથી બહાર કાઢ્યા હતા. જોકે ત્યાં સુધીમાં આકાશ, તેનો ભાઈ, ઈશુ અને ટેક્સી ડ્રાઈવર મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે તેઓને મેડિકલ કોલેજમાં દાખલ કર્યા છે.

Most Popular

To Top