ઉત્તર પ્રદેશમાં (UP) ભાજપ (BJP) નિષાદ પાર્ટી અને અપના દળ ગઠબંધન (Alliance) કરીને ચૂંટણી (Election) લડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એ આ અંગેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું ખે ભાજપે બંને પક્ષો સાથે બેઠક અંગે ચર્ચા કરી છે. અમે સાથે મળીને 403 બેઠકો પર ચૂંટણી લડીશું. ભાજપે ઉત્તર પ્રદેશના સહયોગી અપના દળ સોનેલાલ અને નિષાદ પાર્ટી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ અપના દળ સોનેલાલ અને નિષાદ પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ત્રણેય પક્ષો મળીને તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે.
નડ્ડાએ જણાવ્યું કે કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ દરમિયાન નડ્ડાએ કહ્યું કે યૂપીમાં પાંચ વર્ષ પહેલા લોકો પલાયન કરી રહ્યા હતા. સામાન્ય જનજીવન સાંજના પાંચ વાગ્યા પછી થંભી જતું હતું. માફિયા અને સરકાર વચ્ચે સાંઠગાંઠ હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ બધાનો અંત આવ્યો છે. હવે યુપીમાં કાયદાનું શાસન છે. અમારા દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે અમે કર્યું છે. અમારા વિચારો પ્રમાણિક છે અને કામ અસરકારક છે.
આ પહેલા દિલ્હીમાં બીજેપી કોર ગ્રુપની બેઠક થઈ હતી. તેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, અનુરાગ ઠાકુર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓ સામેલ હતાં. ત્યારબાદ ગઠબંધનની જાહેરાત કરતા જે પી નડ્ડાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપ તેના સહયોગીઓ સાથે ચૂંટણી લડી રહી છે. અમે બધા લોકસભા ચૂંટણીમાં સાથે આવ્યા હતા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ અપના દળ અને નિષાદ પાર્ટી સાથે મળીને ઉત્તર પ્રદેશની તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે.
યુપી ચૂંટણીની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમાજવાદી પાર્ટીના ટોચના નેતા મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવ બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગઈ છે. તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પાર્ટીના અન્ય મોટા નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તે લખનૌની કેન્ટ સીટ પરથી ભાજપના ઉમેદવાર બની શકે છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે અપર્ણા યાદવને ભાજપની ડબલ એન્જિન સરકારનું કામ અને પીએમ મોદીનું વિઝન પસંદ આવ્યું. અમે તેમનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ.