Columns

ઈશ્વર પર અટલ વિશ્વાસ

બે મિત્રો હતા. એક પરમ ભક્ત, ભગવાન પર શ્રધ્ધા ધરાવનાર આસ્તિક અને એક ભગવાનનું અસ્તિત્વ સાવ નકારનાર નાસ્તિક.છતાં બન્ને મિત્રો, પડોશમાં રહે અને એક સાથે વેપાર કરવા બીજે ગામ જાય.ભગવાન વિષે હંમેશા તેમનામાં ચર્ચા અને વાદવિવાદ થતાં જ રહે.નાસ્તિક હંમેશા કહે ઈશ્વર કોઈનું સારું કરતો જ નથી, જે સારું થાય છે તે મનુષ્યની આવડતનું પરિણામ છે અને આસ્તિક હંમેશા કહે કે ઈશ્વર કોઈનું ખરાબ કરતો જ નથી જે થાય છે તે મનુષ્યના પોતાનાં કર્મોનું ફળ છે.

એક દિવસ વેપારનો સોદો કરી મોડી સાંજે તેઓ પોતાને ગામ પાછા ફરી રહ્યા હતા.રસ્તામાં આસ્તિક મિત્રને પગમાં મોટા પથ્થરની ઠોકર વાગી અને તે પડી ગયો. તેનો પગ મચકોડાઈ ગયો.માંડ માંડ ઊભો થયો. મિત્રના ટેકે તે લંગડાતા પગે આગળ ચાલવા લાગ્યો.તે બોલ્યો, ‘હે ભગવાન, તારો આભાર તેં મને બચાવી લીધો.’

નાસ્તિક મિત્ર હસ્યો અને કટાક્ષમાં બોલ્યો, ‘વાહ દોસ્ત, તારા ભગવાને તો તને પાડ્યો. મેં બચાવ્યો, ઊભો કર્યો અને મારો ટેકો લઈને તું ચાલી રહ્યો છે અને આભાર ભગવાનનો માને છે?’ આસ્તિક મિત્ર બોલ્યો, ‘દોસ્ત, તેં જોયું નહિ કે હું જયાં પડ્યો ત્યાં થોડે દૂર મોટો ખાડો હતો. જો પથ્થરની મને ઠોકર ન વાગી હોત તો હું ખાડામાં પડત અને કદાચ મારા બન્ને પગ તૂટી જાત.ભગવાને મને બચાવ્યો છે.’

આગળ જતાં નાસ્તિક મિત્રનો ટેકો છૂટતાં આસ્તિક મિત્ર, ‘પાછો પડી ગયો અને તેના બંને પગમાં ઈજા થઈ.’ તે ઊભો થઈ શકતો ન હતો.છતાં આસ્તિક મિત્રે ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું, ‘ભગવાન, તારો આભાર. મને પગમાં વાગ્યું, પણ મારા હાથ સલામત રાખ્યા છે.’ નાસ્તિક મિત્ર હવે ગુસ્સે થયો અને બોલ્યો, ‘શું મૂરખની જેમ વાગ્યું હોવા છતાં ભગવાનનો આભાર માને છે.’ આસ્તિક મિત્રે કહ્યું, ‘દોસ્ત, તને નહિ સમજાય. મારો ભગવાન બહુ દયાળુ છે.મારા જ કોઈ કર્મફળને કારણે મને આ સજા થઈ રહી છે, પણ મારો ભગવાન મને ધીમે ધીમે હું સહન કરી શકું તે રીતે સજા આપે છે.તે હંમેશા પોતાના ભક્તની સાથે જ રહે છે.દોસ્ત, તું મને બે લાકડી લાવી આપ, જેના ટેકે હું ચાલી શકું.’ નાસ્તિક મિત્રે લાકડીઓ શોધીને લાવી આપી અને કટાક્ષમાં કહ્યું, ‘લાકડી શોધી આપું હું અને આભાર ભગવાનનો માનીશ.’ આસ્તિક મિત્ર કંઈ બોલ્યો નહિ અને મિત્ર જોડે લાકડીના ટેકે આગળ વધવા લાગ્યો.

થોડે આગળ જતાં અંધારામાં નાસ્તિક મિત્રનો પગ સાપ પર પડતાં સાપ તેને કરડવા જતો હતો ત્યાં આસ્તિક મિત્રે પોતાના હાથની લાકડીથી તેને મારીને દૂર ફેંકી દીધો.નાસ્તિક મિત્રનો જીવ બચી ગયો.આસ્તિક મિત્ર બોલ્યો, ‘ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. તેં મને પીડા આપી, પણ જીવ બચાવ્યો અને આ લાકડીઓને લીધે મારા નાસ્તિક મિત્રનો જીવ પણ બચાવ્યો અને પછી મિત્રને કહ્યું, ‘મારો ભગવાન ખૂબ દયાળુ છે. તે બધાનું ધ્યાન રાખે છે સમજ્યો, એટલે મને તેની પર અટલ વિશ્વાસ છે.’

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top