ભરૂચ: સમગ્ર રાજ્યમાં ગરમીના અગનગોળા પડી રહ્યા છે. ત્યારે મંગળવારે ભરૂચમાં બપોરના અચાનક વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદણા ઝાપટા પડ્યા છે. જોકે ભારે ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ થતાં કેરી સહિતના કેટલાક પાકોને નુકસાન થવાની ખેડૂતો સેવી હતી.
- ભરૂચ શહેરના વાતાવરણમાં અચાનક પલટો, આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદથી ઠંડક
- વરસાદ પડતા કેરી સહિતના ઉનાળુ પાકમાં નુકસાનનો અંદાજ
ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો. જેમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. દરમિયાન બપોરે એકાદ વાગ્યાના અરસામાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થતાં લોકોએ ભર ઉનાળે ચોમાસાનો અનુભવ કર્યો હતો.
જોકે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું આવીને થોડી જ વારમાં બંધ થઇ ગયું હતું અને વાતાવરણ ખુલ્લું થઇ ગયું હતું. પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઇને મુખ્ય ધોરીમાર્ગ પર જતા વાહનો અટવાયા હતા. ખેડૂતોના મતે કમોસમી વરસાદને લઇને કેટલાક ઉનાળુ પાક તેમજ કેરી જેવા ફળોને નુકસાન થવાની સંભાવના રહેલી છે. ભરૂચમાં ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જોકે વરસાદને લઇને લોકોએ ઉકળાટમાં સામાન્ય રાહત થઇ હતી.
ડાંગ જિલ્લામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી લોકો ત્રાહિમામ
ડાંગ: મંગળવારે તા. 16 એપ્રિલે ડાંગ જિલ્લાના વઘઇ પંથકમાં 44 ડિગ્રી, આહવા અને સુબિર પંથકમાં 42 ડિગ્રી, સાપુતારા અને શામગહાન પંથકમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું. ડાંગ જિલ્લામાં આકરી ગરમીનાં પગલે બપોરનાં અરસામાં માર્ગો પણ સુમસામ બન્યા હતા. ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીનાં પગલે વહેલી તકે પાણીનાં સ્ત્રોત સુકાઈ જતા ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઇ છે. આકરી ગરમી અને ઉકળાટમાં જનજીવન સહિત પશુપાલન છાંયડો અને પાણી શોધવા મજબૂર બન્યા છે.
ડાંગવાસીઓ ગરમીથી બચવા હાલમાં ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ડાંગ જિલ્લામાં અસહ્ય ઉકળાટનાં પગલે જનજીવન ઠંડાપીણાનો સહારો મેળવી રાહત અનુભવી રહ્યા છે. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે પણ દિવસ દરમ્યાન 37 ડિગ્રી જેટલી અસહ્ય ગરમી નોંધાઈ હતી. જેને પગલે બપોરનાં અરસામાં પ્રવાસીઓ પણ હોટલોની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગિરિમથક સાપુતારાનાં જોવાલાયક સ્થળોએ સમી સાંજે જ પ્રવાસીઓ બહાર નીકળી ફરી રહ્યા છે.