અમદાવાદ: છેલ્લાં કેટલાંય દિવસથી વાતાવરણમાં અણધાર્યો બદલાવ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના ભર ઉનાળામાં રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. બે દિવસ પહેલાં રાજકોટમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેના લીધે આખું રાજકોટ તરબોળ થઈ ગયું હતું. વરસાદી પાણીની નદીઓ શહેરના રસ્તા પર વહેવા લાગી હતી. તો ગઈકાલે ગુરુવારે સાંજ અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો. થોડા દિવસ પહેલાં દક્ષિણ ગુજરાતમાં બરફના કરાં પડ્યા હતા. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ અને કરાં પડ્યા હતા. આ કમોસમી માવઠાના લીધે પાક નિષ્ફળ થઈ જતા ખેડૂતો બરબાદ થયા છે અને હવે કુદરતનો આ પ્રકોપ અટકે તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે વધુ એક ડરાવનારી આગાહી સામે આવી છે.
અમદાવાદના અંબાલાલ પટેલની આગાહી મુજબ માર્ચમાં પડેલો કમોસમી વરસાદ તો ટ્રેલર માત્ર છે. એપ્રિલ તો આનાથી ભયાનક આવશે. અત્યાર સુધી નહીં જોયું હોય વાતાવરણમાં તેવો પલટો જોવા મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્ય પરથી હજી માવઠાની ઘાત ટળી નથી. 25-26 માર્ચે દરિયામાં ભારે હલચલ જોવા મળતા ભેજની અસર પૂર્વી રાજસ્થાન સુધી જોવા મળશે. આગામી તા. 30-31 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી વરસાદ પડે તેવી સંભાવના છે. એપ્રિલ મહિનામાં તારીખ 3 અને 8 એપ્રિલ સુધીમાં ફરી માવઠાની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે.
એપ્રિલમાં 8 થી 14 તારીખ સુધી હવામાનમાં બદલાવ જોવા મળશે. અખાત્રીજ સુધી વાદળવાયું વાતાવરણ રહેશે. 26 મી એપ્રિલ બાદ ગરમી પડવાનું શરૂ થશે. એપ્રિલ-મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરશે. પટેલે ગુજરાતમાં આંધી-તોફાનની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 8 મે થી ગુજરાતમાં તોફાન આવવાથી વરસાદ રહેશે. તેમણે જણાવ્યું કે, બંગાળનો સમુદ્ર અને અરબ સાગરમાં સાયક્લોનિક વરસાદની અસર ગુજરાત ઉપર રહેશે. તેથી આ વખતે ભર ઉનાળામાં કમોસમી વરસાદની શક્યતા યથાવત રહેશે.
કમોસમી વરસાદ કેમ પડી રહ્યો છે?
આ વર્ષે ઉનાળામાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તેની પાછળ વાતાવરણમાં આવેલા ફેરફાર જવાબદાર છે. અરબી સમુદ્ર અને અરબ સાગરનો ભેજ ગુજરાત તરફ સર્ક્યુલેટ થઇ રહ્યો છે તેના લીધે માવઠું પડી રહ્યું છે . ગુજરાતના આકાશ પરના વાદળોનો સમૂહ હિમાલયના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડો પડ્યો છે. આ વાદળો અથડાવવાથી કરા પડી રહ્યાં છે. ઉપરાંત અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના ડુંગરમાળા ઈરાન અફઘાનિસ્તાન તરફથી આવતા પવનોને અટકાવે છે. ગુજરાતને સમાંતર 1.5 ઉંચાઈએ આ ડુંગરો જયારે અરબી સમુદ્રથી આવતા પવનોને અટકાવે છે ત્યારે ગુજરાતમાં માવઠા થાય છે.