SURAT

રસોઈ બનાવતી માતાએ બે વર્ષના પુત્રને રમવા માટે ગેલેરીમાં એકલો મુક્યો અને બની આઘાતજનક ઘટના

સુરત: સુરતમાં પહેલાં માળેથી રમતા રમતા નીચે પટકાઈ જતા બે વર્ષના માસૂમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે.
સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી મહાદેવ સોસાયટીમાં રહેતા લોધી પરિવાર પર આભ તુટી પડ્યું છે.

મૂળ મધ્યપ્રદેશના જબલપુરના વતની શંકર લોધી સુરતમાં લુમ્સના કારખાનામાં કામ કરે છે. અહીં તેઓ પત્ની રજની દેવી અને બે વર્ષના પુત્ર મયંક સાથે રહે છે. ઘટના બની તે દિવસે શંકરની પત્ની રજની દેવી રસોડામાં રસોઈ બનાવી રહી હતી ત્યારે પુત્ર મયંક ઘરના પહેલાં માળે આવેલી ગેલેરીમાં રમતો હતો.

દરમિયાન બાળક મયંક રમતા રમતા અચાનક જ ગેલેરીમાંથી નીચે પટકાઈ ગયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી ગયા હતા અને બાળકને તાત્કાલિક 108માં સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટુંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું હતું.

એક ના એક દીકરાનું મોત થતાં પરિવારને ઘેરો આઘાત લાગ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં માતાનું આક્રંદ જોવા મળ્યું હતું. સમગ્ર હોસ્પિટલ ધ્રુજી ઉઠ્યું હતું. ઘટના અંગે જાણ થતા પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતા પિતા માટે લાલબત્તી સમાન આ ઘટનાથી ચેતી જવા જવું છે. માતા ઘરમાં રસોઈ બનાવતી હતી અને પિતા નોકરી પર ગયા હતા ત્યારે બાળકને રમવા માટે એકલો છોડી દેવાનું ભારે પડ્યું હતું. એકલો બાળક પહેલા માળેથી નીચે પટકાયો ત્યારે તેને બચાવનારું તેની નજીક નહોતું, તેથી જ આ દુર્ઘટના બની હતી. માતા પિતાએ બાળકોની દેખરેખ માટે વધુ ધ્યાન આપવાની જરૂર હોવાનું આ ઘટના દર્શાવે છે.

Most Popular

To Top