ડાકોર: ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામના તળાવમાંથી માટીનું ખનન થતું હોવાની બાતમીને આધારે ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. પરંતુ, આ દરોડાની જાણ થઈ જતાં, ખનન માફિયાઓ ખોદકામના સાધનો અને વાહનો લઈને ભાગી ગયાં હતાં. જેથી ખાણ-ખનીજ વિભાગની ટીમને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામમાં આવેલ એક તળાવમાં છેલ્લાં ઘણાં સમયથી ખનીજમાફિયાઓ દ્વારા બેફામપણે માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ અંગેની જાણ થતાં ખાણ-ખનીજ વિભાગની ટીમે ચેતરસુંબા ગામમાં દરોડો પાડ્યો હતો. જોકે, ખાણ-ખનીજની ટીમના દરોડાની પહેલેથી જાણ થઈ ગઈ હોવાથી તળાવમાં ખોદકામ કરતાં ખનન માફીયાઓ ખોદકામના સાધનો તેમજ વાહનો લઈને રફુચક્કર થઈ ગયાં હતાં.
જેથી ખાણ-ખનીજની ટીમને વિલા મોઢે પરત ફરવુ પડ્યું હતું. આ મામલે ખાણ-ખનીજ વિભાગના અધિકારી રાકેશ સોની જણાવે છે કે, અમે ચેતરસુંબા ગામે આવવાના હોવાની બાતમી માટીનું ખોદકામ કરતી ટોળકીને મળતાં, તેઓ ભાગી ગયાં હતાં. પરંતુ, અમે ગામના તલાટીનો સંપર્ક કરી, માટી કાઢનારાઓના નામ અને તેમની માહિતી માંગી છે. વહેલીતકે આ ટોળકીની ઓળખ કરી, તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરીશું તેમજ તળાવની માપણી કરીને, જેટલી માત્રામાં માટી કાઢી હશે તે મુજબની રોયલ્ટી પણ ભરાવીશું. તેવો લુલો બચાવ કર્યો હતો. ઠાસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તળાવોની માટીનું બેફામ ખનન થઇ રહ્યું છે. ઓવરલોડ ડમ્પર માર્ગો પર પુરઝડપે પસાર થતા હોવા છતાં પોલીસ કે આરટીઓ પગલા ન ભરતા આશ્ચર્ય જન્મ્યું છે.