SURAT

અજાણ્યાના QR કોડ સ્કેન કરતા પહેલાં ચેતજો, સુરતનો રત્નકલાકાર છેતરાયો

સુરત : દયાની માને ડાકણ ખાય તે કહેવતને સાર્થક કરતો કિસ્સો વરાછા ખાતે આવેલ કિરણ જેમ્સ ડાયમંડમાં હિરા મજૂરીનું કામકાજ કરતો યુવક બન્યો છે. ભેજાબાજે યુવકને ફોન કરી તેની પત્ની ગર્ભવતી છે અને તેને હોસ્પિટલમાં પહોંચવાની છે. તેની પાસે પૈસા નથી જેથી તમારા એકાઉન્ટમાં 4200 જમા કર્યા છે કહી તેના ખાતામાં ક્યુઆર કોડથી 4 હજાર ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી હતી.

  • વેડરોડના રત્નકલાકાર સાથે ક્યુઆર કોડ મોકલી અજાણ્યાએ 4000ની ઠગાઇ કરી
  • પત્ની ગર્ભવતિ હોવાથી તેને 4000 આપશો તો હું તમારા ખાતામાં ઓનલાઇન 4200 જમા કરાવીશ તેમ કહ્યું હતું

શહેરના વેડરોડ રામજીનગર સોસાયટીમાં રહેતા અને વરાછા ખાતે આવેલ કિરણ જેમ્સ ડાયમંડમાં હિરા મજૂરીનું કામકાજ કરતા પ્રિયંક રાજેશભાઈ ગોટાવાલાએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોબાઈલ નંબરના ધારક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પાર્ટ ટાઈમ રેપિડો એપ્લિકેશનમાં પણ કામકાજ કરે છે. ગત 9 નવેમ્બર 2024ના રોજ તેને રેપિડો એપ્લીકેશન મારફતે એક રાઇડ મળી હતી જેમાં બુક કરનારને ઉધના દરવાજા એપ્પલ હોસ્પિટલથી સુરત રેલવે સ્ટેશન જવાનું હતું.

તે તેના ઘરેથી નીકળવાની તૈયારી કરતો હતો તે દરમ્યાન અજાણ્યાએ ફોન કરી તેમને કહ્યું હતું કે, મેરી પત્ની ગર્ભવતી હે ઉનકો સુરત રેલવે સ્ટેશન કે પાસ હોસ્પિટલ પહોંચના હૈ ઓર મે અભી બહાર હું મેરી પત્ની કે પાસ પૈસા નહીં હૈ મેં આપકે એકાઉન્ટમે રૂપિયા 4200 ટ્રાન્સફર કરતા હું આપ મેરી પત્ની કે એકાઉન્ટમાં 4 હજાર ટ્રાન્સફર કર દેના ઓર 200 રૂપિયા રખલેના’ તેમ વાત કરતા પ્રિયંકને દયા આવી ગઈ અને હા પાડી હતી અને થોડીવાર પછી તેના મોબાઈલમાં 4200 ક્રેડિટ થયાનો ટેક્સ મેસેજ આવ્યો હતો. તેણે તેના ખાતામાં 4200 જમા થઈ ગયા છે.

થોડીવાર પછી અજાણ્યાએ ક્યુઆર કોડ મોકલ્યો હતો. જેમાં પ્રિયંકભાઈએ 4 હજાર ટ્રાન્સફર કર્યા હતા.પ્રિયંકે તેના બેન્ક એકાઉન્ટ ચેક કરતા ખાતામાં પૈસા જમા થયા ન હોવાનુ બહાર આવ્યું હતું. જેથી પ્રિયંકે અજાણ્યાને ફોન કરતા તેણે અભી ભેજ દેતા હુ કહી ફરીથી ખાતામાં પૈસા જમા થયાનો ટેક્સ મેસેજ મોકલ્યો હતો. પરંતુ ખાતામાં પૈસા જમા થયા ન હતા અને અજાણ્યા ઈસમે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. બનાવ સંદર્ભે ચોકબજાર પોલીસે પ્રિયંકની ફરિયાદના આધારે અજાણ્યા મોબાઈલ નંબરના ધારક વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top