સુરત: (Surat) સુરતના સચિન (Sachin) સ્થિત સુરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં (Special Economic Zone) આવેલી યુનિવર્સલ જેમ્સના (Universal Gems) કરોડોના ડાયમંડના (Diamond) મિસ ડેક્લેરેશન (Miss Decleration) કેસમાં નાસતા ફરતા મિત કાછડિયાની (Meet Kachdiya) કસ્ટમની (Custom) સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર ધરપકડ (Arrest) કરી સોમવારે સુરતની કોર્ટમાં (Court) રજૂ કરી સમગ્ર કૌભાંડમાં (Scam) બીજા વગદાર લોકોની સંભાવના વ્યક્ત કરી વધુ તપાસ માટે રિમાન્ડની (Remand) માંગ કરી હતી. કસ્ટમ વિભાગે 30 કન્સાઈનમેન્ટ કોને મોકલવાના હતા અને 205 કરોડની કિંમતના 60,000 કેરેટ અસલ હીરા કોના છે એ ષડ્યંત્ર ખુલ્લું કરવા રિમાન્ડની માંગ કરી હતી. જે કોર્ટે સ્વીકારી મિત કાછડિયાને 6 જૂન સુધીનાં જ્યુડિશિયલ રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. અહીં ઉલ્લેખનીય છે કે, દુબઈથી બાય ફ્લાઈટ મિત દિલ્હી આવી રહ્યો હોવાની બાતમી મળતાં કસ્ટમ વિભાગને મળતાં ફિલ્મી ઢબે તેની ધરપકડ કરવામાં આવી હતી.
સુરત કસ્ટમ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ 205 કરોડની કિંમતના 60,000 કેરેટ અસલ હીરા જપ્ત કરી 30 દિવસમાં હાજર થવા મિત કાછડિયાને વિભાગે શોકોઝ નોટિસ ફટકારતાં જ તે એક વર્ષ પછી ભારત આવી પહોંચ્યો હતો. સચિન સ્થિત સુરત એસઇઝેડમાં લેબગ્રોન ડાયમંડની રફ ઈમ્પોર્ટ કરી લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડને બદલે અસલ નેચરલ હીરા એક્સપોર્ટ કરી, મિસ ડેકલેરેશન સાથે કરોડોની ડ્યૂટી ચોરીનો કેસ પકડી પાડવામાં આવ્યો હતો. ડીઆરઆઈએ આ કેસ કસ્ટમ ડ્યૂટી ચોરીનો હોવાથી સુરત કસ્ટમ વિભાગને જાણ કરી હતી. કસ્ટમ વિભાગે એક વર્ષ અગાઉ 205 કરોડની કિંમતના 60,000 કેરેટ હીરા એટેચ કર્યા હતા. આ કેસમાં સુરતની જાણીતી જેમોલોજિકલ લેબ દ્વારા ડાયમંડની ચકાસણી કરવામાં આવતાં એક્સપોર્ટ માટે દર્શાવેલા લેબગ્રોન ડાયમંડ, અસલ હીરા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલામાં મુખ્ય શકમંદ મિત કાછડિયા છેલ્લા એક વર્ષથી લાપતા હોવાથી કસ્ટમ ડિપાર્ટમેન્ટ મિત કાછડિયાની કંપની યુનિવર્સલ જેમ્સને શો-કોઝ નોટિસ આપી જણાવ્યું છે કે, ટેક્સ અને પેનલ્ટીની વસૂલાત માટે હીરા જપ્ત કરી એની હરાજીથી ટેક્સની વસૂલાત શા માટે ન કરવી?
સમગ્ર એક્સપોર્ટ કૌભાંડમાં માત્ર 24 વર્ષનો મીત કાછડિયા પ્યાદું હોવાનું તથા તેની પાછળ મોટા ખેલાડી હોવાની ચર્ચા એ સમયે ઉપડી હતી. એ વેળા સુરત ડીઆરઆઈએ કરોડો રૂપિયાના ડાયમંડનાં કન્સાઈનમેન્ટ જપ્ત કરી ત્રણ મહિનામાં મીત કાછડિયા મારફતે 25 જેટલાં કન્સાઈન્મેન્ટ મોકલવામાં આવ્યાં હતાં, જેમાં એક કન્સાઈનમેન્ટમાં 30 કરોડના ડાયમંડ મીસ ડેક્લેરેશન કરીને નિકાસ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી.