Columns

અનોખી એકતા

રેલ્વે સ્ટેશન પર એક મુસાફર પાસે એક છોકરો આવ્યો. તેની પાસે બુટ પોલીશનો સામાન હતો ,માથા પર અને હાથ પર ઘા પર પટ્ટી બાંધેલી હતી અને તે થોડો નબળો પણ લાગી રહ્યો હતો. તેણે ધીમેથી પેલા મુસાફરને વિનંતી કરી, ‘સાહેબ બુટ પોલીશ કરી આપું ??’તેની હાલત જોઇને મુસાફર ના ન પાડી શક્યો. તેણે પોતાના બુટ આગળ કર્યા. તે છોકરો ધીમેધીમે કામ કરતો હતો, બુટપોલીશ કરવાવાળા છોકરાઓમાં હોય તેવી સ્ફૂર્તિ તેનામાં બિલકુલ ન હતી.મુસાફરે કહ્યું, ‘જલ્દી જલ્દી હાથ ચલાવ, બુટ બરાબર ચમકાવજે.’છોકરો કંઈ બોલ્યો નહિ. ધીમે ધીમે કામ કરતો રહ્યો.ક્યાંકથી દોડીને બીજો છોકરો આવ્યો અને તેણે પેલા છોકરાને ખસી જવા કહ્યું અને ફટાફટ મુસાફરના બુટ ચમકાવી દીધા.પેલો છોકરો થોડે દૂર ઊભો હતો.  મુસાફરે વિચાર્યું કે હવે પૈસા માટે આ બંને વચ્ચે ઝઘડો થશે પણ કામ તો બીજા છોકરાએ કર્યું હતું એટલે તેણે પૈસા બીજા છોકરાના હાથમાં આપ્યા.પેલા દોડીને આવીને જેણે બુટ ચમકાવ્યા હતા તેણે હસીને પૈસા લીધા, આભાર માન્યો અને દોડીને પૈસા પેલા છોકરાના હાથમાં મૂકી દીધા.

પેલા છોકરાએ આંખમાં આંસુ સાથે આભાર માન્યો અને તેને ભેટી પડ્યો.  મુસાફરને ઝઘડાને સ્થાને આ દૃશ્ય જોઇને બહુ નવાઈ લાગી. તેણે પાસે જઈને પૂછ્યું, ‘ભાઈ, કેમ બુટ ચમકાવવાની મહેનત તે કરી પણ પૈસા આ છોકરાને આપ્યા?’ પેલો છોકરો બોલ્યો, ‘અમારા વ્હાલા કાકાએ અમને સમજાવ્યું છે એટલે.. આ છોકરો અને અમે બીજા ૧૨ થી ૧૫ છોકરાઓ અહીં બુટ પોલીશ કરવાનું કામ કરીએ છીએ.અમારા એક કાકા અમને સાચવે છે, જીવનની સાચી સમજ આપે છે, થોડું લખતાં વાંચતાં પણ શીખવે છે.આ છોકરો થોડા દિવસ પહેલાં ટ્રેનમાંથી પડી ગયો હતો અને તેને ખૂબ વાગ્યું. માંડ માંડ જીવ બચ્યો.હવે થોડો સાજો થયો છે, પણ હજી નબળાઈ તો છે અને બહુ વાગ્યું હતું એટલે પહેલાં જેવું કામ તો કરી જ નહિ શકે, પણ મા અને નાની બહેનની જવાબદારી છે એટલે થોડું સારું થતાં જ કામ પર આવી ગયો છે.

એટલે અમારા કાકાએ સમજાવ્યું છે કે આપણે બધા એક છીએ અને એકબીજાને મદદ કરવી એ સાચો સંપ છે. આજે આ છોકરો નબળો પડ્યો છે પણ કામ કરવા તૈયાર છે તો તમે બધા તેને મદદ કરજો અને સાચવી લેજો.કાકાએ સમજાવ્યું એટલે અમે બધાએ નક્કી કર્યું છે કે રોજ એક જોડી બુટ પોલીશના પૈસા તેને આપીશું અને તેને કામ કરવામાં તકલીફ પડશે તો મદદ પણ કરીશું.’બુટ પોલીશ કરવાવાળાની વાત સાંભળી મુસાફર તેમની સમજ ,પ્રેમ ,એકતા અને માનવતાની ઊંચાઈ જોઇને ચકિત થઈ ગયો.તેણે બન્નેની પીઠ થપથપાવી અને બીજા પૈસા આપ્યા પણ તે લીધા વિના, ‘માત્ર મહેનતના જ પૈસા લઈએ છીએ’તેમ કહી બંને બુટપોલીશ કરવાવાળા છોકરાઓ હાથ પકડી આગળ વધી ગયા.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top