સુરત : સુરત શહેરમાં મૂળ સુરતીઓની જુદી જુદી જ્ઞાતિ પૈકી ખત્રી સમાજ આજે પણ તમામ અસલ પરંપરાને વળગી રહ્યો છે. આ સમાજની એવી અનેક પરંપરા છે જે માત્ર સમાજ પૂરતી મર્યાદિત હોવાથી અન્ય સમાજના લોકો આ પરંપરાથી અજાણ હોય છે. આવી જ ખત્રીઓની ગણપતિનો દોરો બાંધવાની પરંપરા છે જે આજે પણ આ સમાજના લોકો નિભાવી રહ્યાં છે.
- શ્રાવણી અમાસના દિવસે ગણપતિનો દોરો બાંધવામાં આવે છે
- સવારે દોરા બાંધીને બપોરે તાપીમાં તે પધરાવી દેવાના હોય છે
હવે બે દિવસમાં જ ગણેશોત્સવ શરુ થઇ રહ્યો છે ત્યારે દૂંદાળાદેવ સાથે સંકળાયેલી ખત્રીની અનોખી પરંપરા છે જેને લોકો આજે પણ નિભાવી રહ્યાં છે. આ પરંપરાને ગણપતિનો દોરો બાંધવાની પ્રથા કહેવામાં આવે છે. જે અનુસાર શ્રાવણી અમાસના દિવસે ગણપતિનો દોરો બાંધવામાં આવે છે.
જો આ દિવસ ચૂકી જવાઇ તો ગણેશ ચોથના દિવસે આ દોરો બાંધવામાં આવે છે. આ દિવસે પણ જો શક્ય નહીં બને તો ધનતેરસના દિવસે આ દોરા બાંધવામાં આવે છે અને જો ત્યારે પણ શક્ય નહીં હોય તો પછી કોઇ શુભ દિવસે આ દોરા બાંધી દેવાઇ છે.
ખત્રી સમાજના જૈમીશ ડોક્ટરના જણાવ્યા અનુસાર આ દોરા સવારે બાંધવાના હોય છે અને બપોરે તેનું તાપી નદીમાં તેને પધરાવી દેવાના હોય છે. આ દોરાની પૂજા કરતી વખતે પીપળો અને આંબાનું એક પાન મૂકવામાં આવે છે. આ પૂજામાં કંકુ અને સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે અને માત્ર ગોળનુ ચૂરમું અને પાતરા ખાવાના હોય છે.
કુટુંબના દરેક સભ્યો અને અને એક દોરો ગણપતિનો બાંધવામાં આવે છે
કુટંબના જેટલા સભ્યો હોય તેટલા દોરા ઉપરાંત એક દોરો ગણપતિનો બાંધવાનો હોય છે. આ દોરો 21 તારનો જ હોવો જોઇએ અને તેના ઉપર 21 ગાંઠ મારવામાં આવે છે. તેના પર કંકુ લગાડીને ધૂપ આપવામાં આવે છે.