કોરોનાનો પહેલો વેવ શરૂ થયો ત્યારથી આજદીન સુધી સુરતના અને ગ્રામ્ય વિસ્તારના જનરલ પ્રેકિટશનરો શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકોની મેડિકલ ટ્રીટમેન્ટ ખંતથી અને જાનના જોખમે કરી રહયા છે. ગ્રામ્ય વિસ્તારમાં દવાખાના ચલાવતા તથા પ્રાઇમરી હેલ્થ સેન્ટરના તબિબો પણ હિંમતથી અને ઉત્સાહપૂર્વક દીન-રાત સેવા આપી રહયા છે. જયારે દર્દીની તબિયત વધુ બગડતી લાગે ત્યારે આ તબિબો તેમને સિવિલ/સ્મીમેર હોસ્પિટલમાં કે કોઇ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરે છે. સુરત શહેરના અને અંતરિયાળ વિસ્તારના હજારો જનરલ પ્રેકિટસનરોએ આત્મસૂઝ અને નિષ્ઠાપૂર્વક કામ ન કર્યું હોત તો કોરોનાનો મૃત્યુઆંક અનેક ગણો વધી ગયો હોત. સૌથી પ્રશંસનિય વાત તો એ છે કે ખુબ ઓછા પૈસે પૈસા કમાવાની લાલચ વિના આ જન.
પ્રેકિટશનરો કોરોના કાળમાં લોકોની અનન્ય સેવા કરી રહયા છે. કેટલાક ડોકટરો તો નિ:શુલ્ક સેવા પણ આપે છે. દુ:ખની વાત એ છે કે આ સેવા યજ્ઞમાં કેટલાક જન. પ્રેકિટશનરો મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત જનરલ પ્રેકિશનરો ઝુમ મીટિંગ દ્વારા કોવિડના વિવિધ પાસાઓ અંગે તજજ્ઞો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ લોકોને કોવિડ અંગે અને વેકિસન અંગે યોગ્ય માહિતી તથા સાચુ માર્ગદર્શન આપે છે. વેકિસન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી વેકિસન લેવા માટે તેમને પ્રોત્સાહિત કરે છે. વિશ્વભરમાં જનરલ પ્રેકિટશનરો હેલ્થ સિસ્ટીમની બેંકબોન છે. સાચે જ સુરતના અને ગ્રામ્ય વિસ્તારના આ જનરલ પ્રેકિટશનરો સાચા કોરોના વોરિયર્સ છે. સૌ જનરલ પ્રેકિટશનરોને તેમની અનન્ય સેવા માટે ખૂબ ખૂબ સલામ!
યુ.એસ.એ-ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.