SURAT

સુરતમાં સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ, જૂના મીટરને લોખંડની જાળીથી કવર કરી તાળું માર્યું!

સુરતઃ સ્માર્ટ મીટરના લીધે વીજળીનું બિલ વધુ આવતું હોવાની માન્યતા જનમાનસમાં પ્રસરી છે, જેના લીધે ઠેરઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેર જિલ્લામા સ્માર્ટ મીટર સામે વિરોધ પ્રદર્શનો થયા છે. વીજ કંપનીના કર્મચારી-અધિકારીઓ સાથે લોકોની તકરારના કિસ્સા બન્યા છે, ત્યારે સુરતના લોકોએ સ્માર્ટ મીટરથી બચવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો છે.

  • પાંડેસરાના ગીતાનગર-3માં લોકોએ વીજળીના મીટરને તાળું માર્યું
  • વીજકંપનીના કર્મચારીઓ ચૂપકે ચૂપકે સ્માર્ટ મીટર ફીટ કરી જાય તેવો લોકોને ડર
  • મોંઘવારીના માર વચ્ચે સ્માર્ટ મીટર નહીં જોઈએ તેવા સૂત્રો પોકાર્યા

શહેરના પાંડેસરા વિસ્તારના રહીશોને એવો ડર છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ રાત્રિના અંધારામાં ચૂપકે ચૂપકે તેમના જૂના મીટર બદલીને નવા સ્માર્ટ મીટર ફીટ કરી જશે. તેથી સ્થાનિકોએ પોતાના જૂના મીટરને લોખંડની જાળીથી કવર કરી તેને તાળું મારી દીધું છે. સ્થાનિક રહીશોની એવી દલીલ છે કે ઘણી સોસાયટીઓમાં વીજ કંપનીના કર્મચારીઓએ મકાન માલિકોને મંજૂરી વિના સ્માર્ટ મીટર ફીટ કર્યા છે. તેથી તેઓએ પોતાના જૂના મીટરની સેફ્ટી માટે આ પગલું ભર્યું છે.

પાંડેસરાના ગીતાનગર 3ના રહીશોએ જૂના મીટરને લોખંડની જાળીથી કવર કરી તાળું માર્યું છે. દરમિયાન આજે દિવસ દરમિયાન અહીંના રહીશોએ સ્માર્ટ મીટર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. મોંઘવારીના માર વચ્ચે સ્માર્ટ મીટરનો માર સહન નહીં કરીએ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો.

ગીતાનગરના રહીશો કહે છે કે, અમને સ્માર્ટ મીટર જોઈતું જ નથી. જૂના મીટરની સિસ્ટમ સામે અમને કોઈ ફરિયાદ નથી. તેથી વીજકંપનીના કર્મચારીઓ ભૂલેચૂકે પણ અમારી સોસાયટીમાં મીટર બદલવા આવે નહીં તેવી અમારી માંગણી છે.

નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ અડાજણ પાલનપોરમાં પણ રહીશોને જાણ કર્યા વિના સ્માર્ટ મીટર ફીટ કરવાની ઘટના બની હતી. ત્યારે સ્થાનિક રહીશોએ ખૂબ વિરોધ કર્યો હતો. કોર્પોરેટરે પણ વીજ કંપનીના કર્મચારીઓનો ઉઘડો લીધો હતો કે તેમ મકાન માલિકોની મંજૂરી વિના કેમ સ્માર્ટ મીટર ફીટ કરી રહ્યાં છો.

Most Popular

To Top