એક ગામની બહાર નદી કિનારે એક વિકલાંગ અંધ સાધુ બાબા ઝાડ નીચે આવીને ભજન ગાતાં બેઠા હતા.બાબા અંધ હતા અને એક પગે બરાબર ચાલી શકતા ન હતા એટલે મોટી લાકડીનો સહારો લઈને ચાલતા.તેમની પાસે શરીર પર ઘસાઈ ગયેલાં કપડાં હતાં અને હાથમાં લાકડી …ન ઝોળી …ન બીજું કંઈ. અમુક ગામનાં લોકો…ફલાહાર અને દૂધ વગેરે લઈને સાધુ બાબા પાસે ગયા અને કહ્યું, ‘બાબા, તમે કઈ બાજુથી આવો છો? અમે તમારા માટે ફળ અને દૂધ લાવ્યા છીએ તે સ્વીકારો અને પછી અમને કહો કે અમે તમારા માટે શું કરી શકીએ?’
સાધુ બાબાએ એક જ ફળ ખાધું.દૂધની ના પાડી અને પછી કહ્યું, ‘હું અંધ અને વિકલાંગ છું.નથી કોઈ કુટીર કે નથી કોઈ આજીવિકા.બસ ભગવાનનું નામ લેતો ફરતો રહું છું.એક જગ્યાએ બે -ચાર દિવસથી વધુ રોકાતો નથી.પેટ ભરવા માટે જરૂરી ભોજન સિવાય કશું જ સ્વીકારતો નથી અને કંઈ સાથે રાખતો પણ નથી.મારે તો એક જ કામ છે પ્રભુભજન કરતાં રહેવું અને ફરતાં રહેવું.’ ગામલોકો વિચારમાં પડ્યા કે બિચારા સાધુ તેમની પાસે કંઈ નથી.વળી વિકલાંગ અને અંધ છે.દયા ખાઈને ગામના મુખીએ કહ્યું, ‘બાબા,તમારી પરિસ્થિતિ જોઇને બહુ દુઃખ થાય છે.’ સાધુ બોલ્યા, ‘અરે ભાઈ, માફ કરજો પણ તમારી કોઈ ભૂલ થાય છે. હું દુઃખી છું જ નહિ.હું તો બહુ ખુશ છું.’
સાધુ બાબાનો જવાબ સાંભળી ગામલોકોને નવાઈ લાગી.એક યુવાન બોલ્યો, ‘બાબા, કેવી વાત કરો છો? ભગવાને તમને દુનિયાભરની તકલીફ આપી છે…અંધ છો ..વિકલાંગ છો …રહેવાનું કોઈ સ્થળ નથી …આજીવિકાનું કે પેટ ભરવા માટે કોઈ સાધન નથી …કોઈ મદદમાં નથી.છતાં કહો છે કે હું ખુશ છું.જે ભગવાને આવું દીનતાભર્યું દુઃખી જીવન આપ્યું તેના ભજન ગાતાં રહો છો.’ સાધુ બોલ્યા, ‘હા, હું બહુ ખુશ છું અને ભગવાને મને જે આપ્યું છે તેનો આનંદ લઉં છું.ભગવાને મને જન્મ આપ્યો છે.તેનાં ભજન ગાઈ શકવાની અને તેની ભક્તિ કરવાની શ્રધ્ધા અને શક્તિ આપી છે. બીજું શું જોઈએ.ભગવાન કોઈ ને કોઈ રીતે મને રોજ મદદ કરે છે.કોઈ ને કોઈ ભોજન આપે છે, જે મળે તે પ્રભુનો પ્રસાદ ગણી સ્વીકારી લઉં છું.હું એકદમ ખુશ છું કે પ્રભુએ મને એવું જીવન આપ્યું છે, જેમાં હું બીજું કંઈ કરી શકવા સક્ષમ જ નથી. હું તો બસ હ્રદયમાં અટલ શ્રધ્ધા સાથે તેમનું નામ લેતો રહું છું.જગતનો પાલનકર્તા મારું પણ પાલન કરે છે એટલે હું હંમેશા ખુશ જ રહું છું.’ગામલોકોએ સાધુની અનન્ય શ્રધ્ધાને નમન કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.