આપણે મૃત્યુ પછીની ગતિને સમજ્યા.અધ્યાત્મ માર્ગમાં ભગવાનને પામવા વિવિધ પ્રકારના સાધનોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે. કેટલાક લોકો કઠીન તપ-વ્રત કરે છે તો કેટલાક અષ્ટાંગયોગ પણ સિદ્ધ કરે છે પરંતુ આ રીતની સાધના કરવી અતિ દુષ્કર છે. તેથી અહીં ભગવાન કૃષ્ણ ભગવાનને પામવા માટેનો હવે એક સરળ માર્ગ બતાવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના ૮/૨૨ મા શ્લોકમાં કહે છે કે,
પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા ।
યસ્યાન્તઃસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ્ ॥
જે પરમાત્માની અંદર સર્વ ભૂતો છે તથા જે સચ્ચિદાનંદ પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે.
માનવ મસ્તિષ્કમાં આ બાબતે પ્રશ્ન ઉદભવે કે કઈ ભક્તિથી ભગવાન રાજી થાય? તેનોનિર્ણાયક ઉત્તર છે- પતિવ્રતાની ભક્તિથી. આ જ અનન્ય ભક્તિ છે. આ જ સ્વરૂપનિષ્ઠા છે. પતિવ્રતાની ભક્તિ એટલે શું? કેવળ ભગવાનના જ સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અહીં પ્રીતિ એટલે ભગવાનની રુચિ પ્રમાણે વર્તવું. જેમ પતિવ્રતા નારી પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરુષમાં પ્રીતિ ન રાખે તેમ પતિવ્રતા ભક્તિથી યુક્ત મુમુક્ષુ ભગવાનથી અતિરિક્ત ક્યાંય પ્રીતિ રાખે નહિ.
પાંડવોએ પતિવ્રતાની ટેક રાખી હતી. પાંડવોનું સૂત્ર એક જ ‘કરિષ્યે વચનં તવ’! એક કૃષ્ણ કહે તેમ જ કરવાનો નિર્ધાર હતો, તો તેઓની જીત થઈ. તેઓને સંપના તાંતણે શ્રીકૃષ્ણે બાંધ્યા હતા. પરંતુ બીજી બાજુ દુર્યોધને સેનાપતિ પદે ભીષ્મને નીમેલા તો પણ તે કર્ણ, દુ:શાસન, શકુનિ વગેરેની સલાહ પ્રમાણે વર્તતો હતો, એક નિષ્ઠા ન હતી તો તેની હાર થઈ. પતિવ્રતાની ભક્તિ એટલે એક સ્વરૂપની ઉપાસના. એક સ્વરૂપની ભક્તિ! એક વાર સમર્થ રામદાસને એક બ્રાહ્મણે કહ્યું, ‘સ્વામી,તમે પંઢરપુર કેમ પધારતા નથી?’ સમર્થ રામદાસે કહ્યું,‘હું રામનો ઉપાસક છું. ત્યાં રામ મંદિર નથી એટલે આવવાની ઈચ્છા થતી નથી.’ બ્રાહ્મણે કહ્યું, આવી અજ્ઞાની જેવી વાતો કેમ કરો છો? રામવિહોણું કોઈ ધામ હોય ખરું? પંઢરપુરમાં રામ મંદિર ભલે ન હોય, પણ રામભક્ત હનુમાનનું મંદિર છે ને? અષાઢ માસમાં જરૂર આવજો.’ સમર્થ રામદાસ અષાઢ માસમાં ત્યાં ગયા અને પ્રથમ હનુમાન મંદિરમાં દર્શન કર્યાં ત્યાર બાદ વિઠોબાના દર્શને ગયા. સત્પુરુષો આપણને શીખવાડે છે કે એક સ્વરૂપની પરિપક્વ નિષ્ઠા રાખવી પણ અન્ય સ્વરૂપોને પણ દર્શન-વંદન કરી શકાય. તેમાં કોઈ દ્રોહ કે ભક્તિનો ભંગ નથી થતો. આ રીતે એક સ્વરૂપની નિષ્ઠા રાખી બધા જ અવતારોનું સન્માન કરવું જોઈએ.
તદુપરાંત પતિવ્રતાનીભક્તિ ત્યારે જ શક્ય બને જયારે પોતાના મનમાં ઊઠતા વિવિધ સંકલ્પો અને વિકલ્પોમાંથી એકનું ચયન કરાય. પતિવ્રતાની ભક્તિ એટલે બધા જ મનના માનેલા ધર્મોને છોડી એક ભગવાનની શરણમાં રહેવું. આ જ વાતને પુષ્ટ કરતાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતાનાં ૧૮/૬૬ મા શ્લોકમાં કહ્યું છે કે,
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥
તારા મનના માનેલા સર્વ ધર્મો છોડી તું મારા એક શરણે આવ; હું તને સર્વ પાપોથી છોડવીશ, તું શોક ન કર. ઉત્તર મધ્યકાલમાં જોબનપગી નામક એક ગુર્જર પ્રાંતીય પુરુષ અનાચાર અને સ્તેનવૃત્તિમાં રત હતો. એટલો કુખ્યાત કે જેના નામની ચર્ચા પશ્ચિમ ભારત સુધી થતી. બધા જ પ્રકારના વ્યસન તથા મોજશોખથી સંકળાયેલ આ વ્યક્તિ જ્યારે ભગવાન સ્વામિનારાયણની શરણમાં આવ્યો. ભગવાન સ્વામિનારાયણે તેને નિયમ-વર્તમાન ધારણ કરાવ્યાં. તે પાકો ભક્ત બની ગયો. એક વાર જોબનપગી જ્યારે પ્રવાસે જતાં પૂજા ભૂલી ગયો તો પૂજા બિન પાણી હરામ તે ભાવનાથી ગામ પાછો ન આવે ત્યાં સુધી ઉપવાસ કર્યા. મનના કોઈ સંકલ્પ કે વિકલ્પ એને પોતાની ભક્તિમાંથી ચલિત કરી શક્યા નહિ.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજ પતિવ્રતાની ભક્તિ કઈ રીતે કરવી જોઇએ તે માટે એક આદર્શ ઉદાહરણ છે. જ્યારે તેઓને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એવાર્ડ આપવા માટે તે સંસ્થાના તંત્રી આવ્યા તો સ્વામીજીએ પ્રથમ તે એવાર્ડ ભગવાનને અર્પણ કરવા કહ્યું અને પછી પોતે એ સન્માન સ્વીકાર્યું. સ્વામી દરેક માન અને સમ્માનમાં ભગવાનને જ મુખ્ય રાખે છે. જયારે એવી પતિવ્રતા ભક્તિ હોય તો જ ભગવાનમાં અનન્ય પ્રીતિ જન્મે અને ત્યારે જ તે પ્રીતિપાત્ર ભગવાનની સદા સ્મૃતિ થઈ આવે. સ્વામી એટલે જ ક્યારેય ભગવાનને ભૂલતા નથી. આ રીતે મહાપુરુષોના જીવનમાંથી પતિવ્રતા-ભક્તિ કરવાની પ્રેરણા લઈને જીવન ઉન્નત કરીએ.