આજથી લગભગ અઢીસો વર્ષ પહેલા એન્સાઇક્લોપિડિયા બ્રિટાનિકાની શરૂઆત બ્રિટનમાં થઇ અને વિશ્વને સૌપ્રથમ વખત અનેકાનેક વિષયોને સમાવી લેતો જ્ઞાનકોષ મળ્યો. આ એન્સાઇક્લોપિડિયા બ્રિટાનિકાની નવી નવી આવૃતિઓનું પ્રકાશન સમયે સમયે થતું રહ્યું. જો કે આ એન્સાઇક્લોપિડિયા બ્રિટાનિકાના બીજા કેટલાક હરિફ એન્સાઇક્લોપિડિયા પણ આવ્યા પણ જ્ઞાનકોષમાં બ્રિટાનિકા શિરમોર સમાન જ બની રહ્યું.
જો કે સમય જતાં આ એન્સાઇક્લોપિડિયાનું છાપકામ ઘણુ મોંઘુ પડવા લાગ્યું તથા મોંઘાદાટ કાગળો અને પર્યાવરણના પ્રશ્નોને કારણે દળદાર ગ્રંથો મોટા પ્રમાણમાં છાપવાનું અવ્યવહારુ પણ બનવા લાગ્યું. વળી, કોમ્પેક્ટ ડીસ્કથી લઇને પેન ડ્રાઇવ જેવા અનેક સાધનો વિપુલ માહિતીને નાનકડી જગ્યામાં સંગ્રહી શકે તેવા આવ્યા અને એન્સાઇક્લોપિડિયાએ પ્રિન્ટ એડિશનો બંધ કરવાનો નિર્ણય કર્યો. હવે તેના દળદાર ગ્રંથો ભૂતકાળની વાત બની ગયા છે અને તે હવે ઓનલાઇન જ પ્રકાશિત થાય છે. જો કે તે પહેલા તે કોમ્પેક્ટ ડિસ્ક સ્વરૂપે પણ રજૂ તો થવા માંડ્યું જ હતું. આ એન્સાઇક્લોપિડિયાનો એક મજબૂત હરીફ ૨૦૦૧ના વર્ષમાં આવ્યો, વીકિપિડિયાના નામે, અને તેણે એન્સાઇક્લોપિડિયા બ્રિટાનિકાને ઝાંખુ પાડી દીધું.
એન્સાઇક્લોપિડિયા બ્રિટાનિકા અને વીકિપિડિયામાં ફેર એ છે કે એન્સાઇક્લોપિડિયા બ્રિટાનિકાની દરેક આવૃતિ તેના એડિટરો જ તૈયાર કરે છે જ્યારે વીકિપિડિયાની વિગતોમાં તેના વાચકો પણ યોગ્ય પ્રક્રિયાને અનુસરીને સુધારા વધારા કરી શકે છે. તેના આ સ્વરૂપને કારણે તેની ટીકાઓ પણ થવા માંડી. કોઇકે તેને જાહેર શૌચાલયની સાથે પણ સરખાવ્યું! પણ તેના એડિટરોની સતર્કતા અને ઉત્કૃષ્ટ મોનિટરિંગ સિસ્ટમને કારણે તેમાં માહિતીની ચોકસાઇ અને સચોટતા જળવાઇ રહેતા આવ્યા છે. રાજકારણ અને ઇતિહાસથી લઇને જાત જાતની બાબતો માટે અગત્યની માહિતી મેળવવા માટે વિકિપીડિયા ઠીક ઠીક સમયથી એક અગત્યનું માધ્યમ બની રહ્યું છે.
ખાસ કરીને ઇન્ટરનેટનું પ્રચલન વધ્યા પછી તો તે હવે સર્વસુલભ જેવું બની ગયું છે પરંતુ જ્ઞાન અને માહિતીની આ સાઇટના એક સહસ્થાપકે જ હવે ચેતવણી આપી છે કે આજે વિકિપીડિયા એક ભરોસાપાત્ર માધ્યમ રહ્યું નથી. વિકિપીડિયાની જેમણે વર્ષ ૨૦૦૧માં જીમ્મી વેલ્સ સાથે મળીને સ્થાપના કરી હતી તે બાવન વર્ષીય લેરી સેંગાર કહે કે વિકિપીડિયા પર હવે ડાબેરી ઝોક ધરાવતા લોકશાહી સમર્થક એડિટરોએ કબજો જમાવી દીધો છે અને તેઓ પોતાને અનુકૂળ આવે તેવી સામગ્રી જ વિકિપીડિયા પર મૂકાવા દે છે. તેમણે ઉદાહરણ તરીકે અમેરિકી પ્રમુખ જો બાઇડેન અંગે વિકિપીડિયા પર જે માહિતી મૂકવામાં આવી છે તેનો ઉલ્લેખ કર્યો છે.
બાઇડન અંગેના પેજ પર બાઇડનના જાહેર જીવન સહિતની ઘણી વિગતો છે પણ તેમના અને તેમના પુત્ર હન્ટર બાઇડનના કૌભાંડોનો કોઇ ઉલ્લેખ જ નથી. વિકિપીડિયા પર કોઇ વ્યક્તિનો પરિચય રજૂ કરતી વખતે તે વ્યક્તિ સાથે સંકળાયેલા વિવાદો વગેરેનો ઉલ્લેખ પણ હોય છે પરંતુ બાઇડનના કિસ્સામાં આ વાત ટાળવામાં આવી છે. દેખીતી રીતે વિકિપીડિયાના એડિટરો બાઇડન પ્રત્યે કૂણો ખૂણો ધરાવે છે તે આના પરથી સાબિત થઇ જાય છે એમ લેરી સેંગારનું કહેવું છે. ખુદ વિકિપિડિયાના સહ સ્થાપક જ આવો આક્ષેપ કરે તે ગંભીર બાબત છે અને વિકિપિડીયાએ આ બાબતે પોતાની સ્થિતિ સુધારવી જ જોઇએ. અનેકાનેક વિષયોની જાણકારી વિકિપિડિયા પરથી સરળતાથી ઉપલબ્ધ થઇ રહે છે ત્યારે તેણે પોતાની વિશ્વસનિયતા જળવાઇ રહે તે જોવું જ જોઇએ.