SURAT

‘અમેરિકા જાઉં છું..’ કહી પતિ બીજી યુવતી સાથે લગ્ન કરી રહેવા લાગ્યો, ભાંડો ફૂટ્યો ત્યારે જોવા જેવી થઈ

સુરત: સુરતમાં (Surat) પતિની (Husband) બેવફાઈનો (Cheating) કિસ્સો સામે આવ્યો છે. ”પતિ, પત્ની ઓર વો” ના આ કિસ્સામાં રંગીન મિજાજ પતિએ બીજી યુવતી સાથે રંગરેલિયા મનાવવા માટે પત્નીને છેતરી હતી. પોતે કાયમ માટે વિદેશ જાય છે એવી વાતોમાં ભોળવીને પત્નીથી અલગ બીજી યુવતી સાથે સંસાર માંડી દીધો હતો. આ વાતની જ્યારે પત્નીને ખબર પડી ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બેવફા પતિ વિરુદ્ધ પરિણીતાએ પોલીસને ફરિયાદ કરી છે.

  • મૂળ પાલીતાણાના સુરેશ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
  • પત્ની સાથે છેતરપિંડી કરી ડિવોર્સ લીધા બાદ મકાન માલિકની દીકરી સાથે સુરેશે ભાગીને લવમેરેજ કર્યા
  • બીજા લગ્ન બાદ પણ સુરેશ ગોહિલે પૂર્વ પત્ની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખ્યા
  • પૂર્વ પત્નીએ પૂણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર પુણા પોલીસ સ્ટેશનમાં સુરેશ મેરાભાઈ ગોહિલ નામના ઈસમ વિરુદ્ધ તેની પૂર્વ પત્ની દ્વારા દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. આ કેસની વિગત એવી છે કે આરોપી સુરેશ મેરાભાઈ ગોહિલ પુણા ગામ ખાતે આવેલી દાનગીગેવ સોસાયટીમાં રહે છે. તે મૂળ ભાવનગરના (Bhavnagar) પાલીતાણા (Palitana) તાલુકાના નાની રાજસ્થણી ગામનો વતની છે. સુરેશ વિરુદ્ધ તેની પૂર્વ પત્નીએ દુષ્કર્મની (Rape) ફરિયાદ કરી છે.

તેની પૂર્વ પત્નીએ પોલીસને ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, સુરેશ ગોહિલ પોતે અમેરિકા (America) જવાનો છું એમ કરીને ડિવોર્સ લઈ લીધા હતા. ત્યાર બાદ આરોપી સુરેશ અમેરિકા ગયો નહોતો અને મકાન માલિકની દીકરી સાથે ભાગીને લવ મેરેજ કરી લીધા હતા. આ રીતે તેણીને છેતરીને બીજી યુવતી સાથે સંસાર માંડ્યો હતો. એટલું જ નહીં ફરિયાદી સાથે પણ પતિ-પત્ની તરીકેના સંબંધો ચાલુ રાખી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીએ બીજા લગ્નની જાણ ફરિયાદીને કરી નહોતી. આ રીતે છેતરીને આરોપીએ ફરિયાદીનું શારીરિક શોષણ કર્યું હતું. પૂર્વ પત્નીને જ્યારે લંપટ પતિની હરકતોની જાણ થઈ ત્યારે તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. લંપટ બેવફા પતિને સબક શીખવવાના હેતુથી તેણીએ પુણા પોલીસ મથકમાં પૂર્વ પતિ સુરેશ ગોહિલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top