Charchapatra

અખંડ ભારત

15 ઓગષ્ટ 1947 ના રોજ દેશ આઝાદ થયો હતો.કેટલી મહામુસીબતોમાંથી પસાર થઈને દેશવાસીઓને આ આઝાદી મળી હતી.આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ અને કુશળ નેતૃત્વશૈલીને કારણે નાનાં-મોટાં દેશી રજવાડાંઓ એક થયાં અખંડ ભારતના નિર્માણ માટે.રજવાડાંઓ નામશેષ થઈને જુદાં જુદાં રાજ્યો બન્યાં.આઝાદી સમયે જેટલાં રાજ્યો હતાં તેના કરતાં આજે વધુ રાજ્યો છે.

સમય-સમય પર નવાં રાજ્યોના નિર્માણની વાત થતી રહી અને પ્રજાને વધુ સવલતો અને સગવડો મળે તેવા હેતુને આગળ ધરીને નવાં નવાં રાજ્યો બનતાં રહે છે.એટલું જ નહિ,રાજ્યોમાં પણ સમય-સમય પર નવા-નવા જિલ્લાઓનું નિર્માણ થતું રહે છે.ત્યારે પણ પ્રજાને જ આગળ કરી દેવામાં આવે છે.મને આજ સુધી એ સમજાયું નથી કે નવાં રાજ્યો અને નવા જિલ્લાઓના નિર્માણથી આપણે પ્રજાની કઈ સમસ્યા હલ કરી શક્યા? શું ગરીબી ગઈ? શું બેકારી ગઈ? શું બધે જ સારા રોડ-રસ્તા,ગટર,વીજળી,પીવાનું શુદ્ધ પાણી,સારી સરકારી શાળાઓ કે સારી સરકારી હોસ્પિટલો મળી? કદાચ 10% આ બધું થયું, પણ હશે અને પ્રજાને રાહત મળી પણ હશે.પરંતુ,સૌથી મોટો ફાયદો તો ફક્ત ને ફક્ત કોઈ એક સ્થાનિક આગેવાનને કે સ્થાનિક પક્ષને જ મળ્યો છે.તો પછી આમાં રાષ્ટ્રવાદ,અખંડ ભારત,પ્રજાની સવલતો ક્યાં જોવા મળે છે? ઉપરથી આજે  ગલી-ગલીમાં નેતા,પક્ષો અને સંગઠનોનો રાફડો ફાટ્યો છે.આમ પણ આપણા નેતાઓ દુનિયાની આઠમી અજાયબી જેવા છે.પ્રજાને  રૂપિયો આપીને લાખ કેવી રીતે પડાવી લેવા એની મહારત બધા જ નેતાઓને હાંસલ છે.

જો આ જ રીતે ચાલ્યા કરશે તો ભવિષ્યમાં દેશમાં હજુ વધુ રાજ્યો અને રાજ્યોમાં વધુ જિલ્લાઓ હશે.દરેક રાજ્ય અને જિલ્લામાં એક સ્થાનિક નેતા હશે પછી એ વિસ્તાર જાણે એમના જ પરિવાર માટે ભગવાને બનાવ્યો હોય તે મુજબ પિતા પછી પુત્ર અને પછી એનો પુત્ર કે પછી પરિવારનો કોઈ સભ્ય નેતા બન્યા જ કરશે.એક નવા જ પ્રકારની લોકશાહીનો જન્મ થશે. રાજાશાહીયુક્ત લોકશાહી.આશા રાખીએ કહેવાતા બુદ્ધિજીવીઓ આ સંદર્ભમાં ગંભીરતાથી વિચારશે.સુરત     – કિશોર પટેલ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top