ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે આરૂઢ થતાં જ સપાટો બોલાવ્યો છે. ગેરકાયદેસર વસાહતીઓ માટે દેશ નિકાલના આદેશ જારી કર્યા છે. દુનિયામાં કોઈ પણ દેશને પોતાના દેશમાં ગેરકાયદેસર રહેતાં લોકોને તગેડી મૂકવાનો હક હોય છે. ભારત દેશમાં પણ આવો સપાટો બોલાવવાની તાતી જરૂરિયાત છે. એક તો મૂળે દેશમાં વસ્તી ફાટફાટ થઈ રહી છે, ઉપરથી ગેરકાયદેસર વસાહતીઓ એટલે દેશ માટે “પડતા પર પાટુ” જેવો ઘાટ થયો છે.
સેંકડોની સંખ્યામાં દેશમાં ઘૂસણખોરી થતી હોવાની પૂરી સંભાવના છે. જે રીતે દેશમાં ઘૂસણખોરી, હથિયારો અને ડ્રગ્સ ઘૂસી રહ્યાં છે, કાશ્મીરમાં પણ છાશવારે નાના મોટા હુમલા થતા રહે છે, એ જોતાં દેશની સીમાઓ સુરક્ષિત નથી એવું પ્રતીત થાય છે અને ડંફાસો મારવામાં આવે છે કે, દેશ સુરક્ષિત હાથોમાં છે. જે ગુજરાત મોડલને આગળ ધરીને દિલ્હીની ખુરશી ઝડપવામાં આવી, એ જ ગુજરાતમાંથી અત્યારે સૌથી વધારે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. દેશની સરહદો તો સુરક્ષિત નથી જ પણ દેશની આંતરિક સુરક્ષા અને વ્યવસ્થાઓ પણ ખોરવાયેલી છે. લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ ખાડે ગયેલી છે.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરકારી કર્મચારી કે ગુલામ
સાંપ્રત સમયના શાસકો દ્વારા વૉટબેંકની જાળવણી અને સાચવણી માટે છેલ્લા બે – અઢી દશકાથી તમામ વહીવટી તંત્રોના સરકારી – અર્ધ સરકારી , સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સમેત તમામ અસંખ્ય ખાનગી ક્ષેત્રના , નાનાં મોટાં ઔદ્યોગિક એકમોના માલિકોને પણ જાણે રીતસરના બાનમાં લઇ જાહેર મનમાની કરાવતા રહ્યા હોય એવી લાગણી અનુભવાય છે. બધા જ બધું જાણતા હોવા છતાંય એ ઓથાર હેઠળ મૂંગા મોઢે સહન કરતા રહે છે.
તાજેતરના અઢળક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા મુજબ તમામ વહીવટીતંત્રના અધિકારીઓ કાબેલિયત અને આવડત છતાંય એક સામાન્ય માણસ ખૂબ’જ નાના પાયાનો એમ કહો ને કે..નગર સેવક / સેવિકાના ઇશારે કામ કરશે. જાત જાતના જાહેર ખર્ચાઓ કરી – કરાવી પોતાનો અહમ સંતોષી શાસક પક્ષોના ઉપલા લેવલે પોતાની અક્કલ હોશિયારીના વિડિયો આલ્બમ, ફોટોસેશન કરી કરાવી જે તે વિભાગ વિસ્તારમાં વૉટબેંક મજબૂત કરવા નિર્દોષ અને અમુક વખતે નિ:સહાય નાના કર્મચારી જે માંડ માંડ ₹ 5 – 7 હજાર મહેનતથી કમાતા કોન્ટ્રાક્ટના માણસોને પણ .. ખરેખર હેરાન પરેશાન કરે છે.
સુરત – પંકજ શાંતિલાલ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.