Gujarat Main

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવામાં કાકા- ભત્રીજાની સંડોવણી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનુંપેપર લીક થવાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પેપર લીક કરનારા કાકા -ભત્રીજાની સંડોવણી બહાર આવવા પામી છે. આ સમગ્ર મામલે જયેશ પટેલ દ્વારા પેપર ફોડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. પેપર લીક કાંડમાં વધુ ચાર સહિત 12 વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવી રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, પેપર લીકકાંડમાં જયેશ પટેલ દ્વારા પેપર ફોડવામાં આવ્યું હતું, તેમાં તેના ભત્રીજા દેવલની ભૂમિકા પણ બહાર આવી છે. આ ઉપરાંત એક આચાર્ય અને ચાર શિક્ષકોની સંડોવણી સ્પષ્ટ રીતે બહાર આવી હોવાનું મનાઈ રહ્યું છે. આચાર્ય દ્વારા ચાર લાખમાં આ પેપર ખરીદવામાં આવ્યું હતું, અને આ પેપરને દસ લાખ રૂપિયામાં કેટલાક ઉમેદવારોને વેચવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર મામલામાં ઉપયોગમાં લેવાયેલી જુદી-જુદી કારના નંબરો પણ બહાર આવ્યા છે. આ કાર હિંમતનગર, અમદાવાદ અને સુરત પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે.

ઉપયોગમાં લેવાયેલી કાર પૈકી બે કાર હિંમતનગરથી મળી હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે આ કાર માલિકોની પૂછપરછ પણ હાથ ધરી છે. જેમાં કાર માલિકોના નિવેદનો વિરોધાભાસી હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે જે કાર નંબરો બહાર આવ્યા છે. તેમાંથી એક કાર માલિકે સ્પષ્ટતા પણ કરી છે કે, તેની કાર ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવી છે. તો વળી કોઈકે આ અંગે તેને કોઈ જ માહિતી ન હોવાનું પણ કહ્યું છે. પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

વધુમાં આ સમગ્ર મામલો પરીક્ષાના બીજા દિવસે બહાર આવતાં સોશિયલ મીડિયામાં જે ફાર્મ હાઉસનો ફોટો વાયરલ થયો હતો. તે ફાર્મ હાઉસમાં પણ પોલીસે તપાસ કરી કેટલાક પુરાવાઓ કબજે કર્યા છે, તેમજ આ હાઉસના માલિકની પણ પ્રાથમિક પૂછપરછ કરી છે. સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થયેલા પુરાવા અને પોલીસે એકત્ર કરેલા પુરાવાઓ અંગે પોલીસે કેટલીક કડીઓ મેળવી છે. આ કડીઓના આધારે પોલીસ નિષ્કર્ષ પર આવી છે કે ક્યાંક ને ક્યાંક કંઈક બન્યું તો જરૂર છે. પોલીસે મોબાઇલ ફોન રેકોર્ડના આધારે એકબીજાના કનેકશનો ચકાસ્યા છે. જેમાં પોલીસને એકબીજા સાથેના તાર જોડાતા હોવાના સંકેતો પણ મળ્યા છે. તે જોતા આ મામલામાં મોટા માથાઓની સંડોવણી પણ બહાર આવી શકે છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કર્લાકની પરીક્ષાનું પેપર ફુટવાના મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેથી રાજ્યમાંથી 88 હજાર જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. તેમના નોકરી મેળવવાના સપના રોળાય જાવ તેવી સ્થિતિ સર્જાઈ છે. તેથી હવે આ પરીક્ષા રદ કરવા માંગ ઉઠી છે.

Most Popular

To Top