વાંસદા: (Vasda) દક્ષિણ ગુજરાત અને વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ મંદિરે (Unai Temple) દર વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો મેળો ભરાય છે, તેમ ચાલુ વર્ષે પણ મેળાનું આયોજન થયું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારે મેળામાં (Fair) તકનો લાભ લઈને ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઇ હતી. મેળાના દિવસોમાં મંદિરમાં પ્રવેશી ચોરે પહેલા ભગવાનને બે હાથ જોડી નમન કર્યા બાદ ચોરીના (Theft) કામે લાગ્યા હતા. પણ દર્શનાર્થીનું પાકીટ ચોરી કરવા જતાં ચોરને મંદિરના કર્મચારીએ ઝડપી પાડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.
- મંદિરમાં ભગવાનને બે હાથ જોડી નમન કર્યા બાદ તસ્કરો ચોરીના કામે લાગ્યા
- યાત્રાધામ ઉનાઈ મંદિરના પરિસરમાં આવેલા કુંડમાં સ્નાન માટે જતા દર્શનાર્થીઓના સામાનની ચોરી કરતા તસ્કરો કેમેરામાં કેદ
- પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા
મંદિર પરિસરમાં આવેલ ઐતિહાસિક મહત્વ ધરાવતા ગરમ-પાણીના કુંડમાં સ્નાન કરવા જતાં દર્શનાર્થીઓના બહાર મુકેલા કપડાના ખિસ્સામાંથી રોકડ રકમ સહિત અન્ય સામાન ચોરી થવાની ઘટના સામે આવી છે. દર્શનાર્થીએ ચોરીની જાણ મંદિર સ્ટાફને કરતા ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે મંદિરના CCTV કબ્જે લઈ તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે. દર્શનાર્થીના પેન્ટના ખિસ્સામાં કેટલા નાણાં હતા તે અંગેની વિગતો બહાર આવી નથી, પરંતુ મંદિરના પરિસરમાંથી છેલ્લા ત્રણ દિવસથી મેળાના કારણે દર્શન માટે આવતા દર્શનાર્થીઓના પાકીટ ચોરી થવાની ઘટના સામે આવી છે.
જેમાં મંદિર પરિસરમાં આવેલા ઔતિહાસિક ગરમ પાણીના કુંડમાં સ્નાન માટે ગયેલા દર્શનાર્થીના પેન્ટમાં મુકેલા પૈસા સહીત પેન્ટ પણ ચોરી જતા તસ્કરો મંદિરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયા હતા. મંદિર પરિસરમાં ચોરી કરી ત્યાંથી પલાયન થતા તસ્કરો મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ સમગ્ર ઘટના બાદ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બસની ટ્રીપોથી ધમધમતા ચીખલી બસ સ્ટેન્ડમાં મુસાફરોની ભીડમાં ચોરીની ઘટનામાં વધારો
ઘેજ : ચીખલીમાં વૈકલ્પિક એસટી બસ સ્ટેન્ડમાં પૂરતી જગ્યા અને સલામતીની પૂરતી વ્યવસ્થાના અભાવ વચ્ચે મુસાફરોની ભીડમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે મુસાફરોના માલસામાનની સલામતી માટે પોલીસ અને એસટી તંત્ર કવાયત હાથ ધરે તે જરૂરી છે.
ચીખલીમાં નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે જૂના બસ સ્ટેન્ડનું ડિમોલિશન કરી આજ કેમ્પસમાં વૈકલ્પિક બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય, આંતરરાજ્ય અને સ્થાનિક બસોની સંખ્યાબંધ ટ્રીપોથી આ બસ સ્ટેન્ડ ધમધમતું રહે છે. પરંતુ આ વૈકલ્પિક બસ સ્ટેન્ડમાં પૂરતી જગ્યાના અભાવે અવાર – નવાર મુસાફરોની ભીડ થઇ જતી હોય છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાની પણ પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી ચોર જેવા અસામાજીક તત્વોને મોકળુ મેદાન મળી જવા પામ્યું છે. ભીડનો લાભ લઇ ચોરટાઓ બેફામ બન્યા હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં મોબાઇલ ફોન અને પાકીટ ચોરીના સાતેક જેટલા બનાવો બન્યા છે. જોકે પોલીસ ચોપડે કોઇ બનાવ નોંધાયો નથી.
બુધવારના રોજ એક વિદ્યાર્થિની કોલેજમાંથી આવી ઉમરકૂઇ એસટી બસમાં બેસવા ગઇ ત્યારે તેના દફતરમાં મૂકેલો મોબાઇલ ફોન ગાયબ થઇ જતા શોધખોળ બાદ પણ મળી નહીં આવતા ચોરાઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત મુસાફરોના પાકીટ ચોરાવાના પણ અવાર – નવાર બનાવો બહાર આવી રહ્યા છે. બસમાં ચઢતી વખતે ભીડનો ગેરલાભ ઉઠાવી ખિસ્સા કાતરૂઓ આવી ચોરીને અંજામ આપતા હોય છે. ત્યારે આવા બનાવોમાં લગામ કસવા માટે એસટી તંત્ર પોલીસ સાથે સંકલન સાધી જરૂરી આયોજન કરે તે જરૂરી છે.