અમદાવાદમાં મીડિયા હાઉસ સાથે સંકળાયેલા અગ્રણી બિલ્ડર ગ્રુપ સામે દરોડાની કાર્યવાહી દરમ્યાન અંદાજિત 1000 કરોડના જમીનના સોદાઓના વ્યવહાર શોધી કાઢવામાં આવ્યા છે. આ દરોડાની કાર્યવાહી દરમ્યાન 1 કરોડની કૅશ તેમજ 2.27 કરોડની જ્વેલરી પણ જપ્ત કરાઈ છે.
નવી દિલ્હી સ્થિત સીબીડીડીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે સમભાવ મીડિયા હાઉસ સાથે મનોજ વડોદરિયા અને કિરણ વડોદરિયા સહિત વડોદરિયા બંધુઓની માલિકીની નીલા ઈન્ફ્રા. સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત વડોદરિયા બંધુઓની સાથે સંકળાયેલા જમીનની લે વેચ કરતાં દલાલો પૈકી અશોક ભંડેરી, દિપક ઠક્કર, શીતલ ઝાલા, પ્રશાંત સરખેડી, જગદીશ પાવરા સામે 22 કરતાં વધુ સ્થાનો પર દરોડાની કાર્યવાહી દાથ ધરાઈ હતી. આ દરોડાની કાર્યવાહી દરમ્યાન 1 કરોડની કૅશ તેમજ 2.27 કરોડની જ્વેલરી જપ્ત કરાઈ હતી.
સીબીડીટીના સત્તાવાર પ્રવક્તા સુરભી અહલુવાલિયાએ કહ્યું હતું કે દરોડાની કાર્યવાહી દરમ્યાન આ ગ્રુપના 1000 કરોડના બિન હિસાબી વ્યવહારો શોધી કાઢીને તેના દસ્તાવેજો જપ્ત કરાયા છે. જમીનની લે વેચ દરમ્યાન આ ગ્રુપ દ્વ્રારા જમીન ડેવલોપ કરવાના હક્ક આપીને તેની સામે 500 કરોડ રોકડમાં ગ્રુપ દ્વારા મેળવવામાં આવ્યા હોવાનું પણ તપાસ બહાર આવ્યું છે. પ્રોપર્ટી અને જમીનની લે વેચમાં 350 કરોડ ઓન મની લેવાયા હોવાના પુરાવા પણ હસ્તગત કરાયા છે.
જપ્ત કરાયેલા પુરાવાઓના આધારે 150 કરોડની બિન હિસાબી વ્યાજે લોન આપી હોય એટલું જ નહીં તેની મદ્દલ પણ પરત મેળવી હોય, પોતે પણ વ્યાજ ચૂકવ્યુ હોય તેવા પુરાવ જપ્ત કરાયા છે. મોટા પાયે બિન હિસાબી રોકડ ખર્ચ, રોકડમાં પેમેન્ટ સ્વીકાર્યુ હોય, તેમજ રોકડમાં મોટા પાયે કૅશ ચૂકવી હોય તેવા પણ પુરાવા મળ્યા છે. દરોડાની કાર્યવાહી દરમ્યાન જપ્ત કરાયેલા તમામ પુરાવાઓ જોતાં 1000 કરોડના બિન હિસાબી વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે.
દરોડાની કાર્યવાહી દરમ્યાન મોટી માત્રામાં જમીનની લે વેચના દસ્તાવેજો, કાચી ચિઠ્ઠીઓ અને ડિજીટલ પુરાવાઓ પણ કબ્જે કરાયા છે. સૂત્રોએ કહ્યું હતું કે 14 બેન્ક લોકર સીલ કરાયા છે તેમજ કેટલાંક મોબાઈલ ફોનમાંથી ડેટા શોધીને તેની પણ વિતો મેળવવામાં આવી રહી છે.