Gujarat

ઉનામાં બુટલેગરોએ દારૂ સંતાડવા કોઈને ન જડે તેવી જગ્યા બનાવી, છતાંય પકડાઈ ગયા

ઉના: (Una) દારૂ (Alcohol) સંતાડવા માટે લોકો નિતનવા પ્રયાસ કરતા હોય છે. ઉનાના ઉમેજ વિસ્તારનો એક એવોજ કિસ્સો સામે આવ્યો છે જ્યાં દારૂ સંતાડવા માટે બુટલેગરોએ (Bootlegger) જમીનની અંદર ઓરડો બનાવ્યો હતો. જોકે પોલીસ (Police) ત્યાં પણ પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ કુખ્યાત બુટલેગર દિપક ઉર્ફે દિપુ જાદવે દારૂનો જથ્થો પોલીસને મળી ન આવે તે માટે વાડીમાં નવા બની રહેલા મકાનની બાજુમાં જમીનની અંદર 6 બાય 4નો ઓરડો બનાવ્યો હતો. જેમાં દારૂ અને બીયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જોકે યેનકેન પ્રકારે પોલીસે આ ઓરડો શોધી કાઢ્યો હતો અને દારૂ સહિતની સામગ્રી જપ્ત કરી હતી.

ઉનામાં બુટલેગરોએ ચોરખાનું બનાવ્યું હતુ. આ ચોરખાનામાં એક સમયે એક જ વ્યક્તિ ઉતરી શકે તેટલી જ જગ્યા હતી. જોકે આટલી નાની જગ્યામાં દારૂની 270 પેટીઓ મળી આવી હતી. એલસીબીના અધિકારીઓને બાતમી મળે હતી કે ઉમેજ ગામના કુખ્યાત બુટલેગર દિપુ જાદવે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. જેની તે હેરાફેરી કરવાની ફિરાકમાં છે. જેના આધારે એલસીબીએ ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં દિપુની વાડીએ દરોડો પાડયો હતો. વાડીમાં મોટો જથ્થો ઉતર્યો હોવાની પોલીસને પાકી બાતમી હોવાથી બુટલેગરની વધુ પૂછપરછ કરતા તેણે જમીનમાં બનાવેલ ઓરડાની જાણકારી આપી હતી. તપાસ કરતા પોલીસને અહીંથી વિદેશી દારૂની 250 પેટી તથા બીયરની 20 પેટી મળી આવી હતી. સાથેજ પોલીસે વાડીમાંથી દારૂની હેરાફેરી માટે રખાયેલા ટ્રેકટર-ટ્રોલી, મોબાઈલ પણ જપ્ત કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આ ચોરખાનામાં એક સમયે એક જ વ્યક્તિ ઉતરી શકે તેટલી જ પ્રવેશની જગ્યા હતી. ખુબજ ચાલાકી પૂર્વક આ ઓરડો બનાવવામાં આવ્યો હતો. જેનું પ્રવેશદ્વાર માટી પથ્થરોથી ઢાંકી દેવામાં આવ્યું હતું. એલસીબીએ દરોડો પાડી 15 લાખના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડયા હતા.

Most Popular

To Top