World

UN ના વોટિંગ બાદ ઈઝરાયેલને ગાઝા છોડવા માટે મળી ડેડલાઈન!

ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે યુનાઇટેડ નેશન્સે ઇઝરાયેલને ગાઝા છોડવા માટે સમયમર્યાદા આપી છે. વાસ્તવમાં એક ઠરાવ પર મતદાન દ્વારા ઇઝરાયેલને એક વર્ષની અંદર પેલેસ્ટાઇનના કબજા હેઠળના વિસ્તારમાંથી પાછા ખસી જવાની માંગ કરવામાં આવી છે. આ વોટિંગમાં ઈઝરાયલ વિરુદ્ધનું વાતાવરણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વોટિંગમાં ઈઝરાયેલ વિરુદ્ધ 124 વોટ પડ્યા હતા, જ્યારે 14 વોટ સમર્થનમાં હતા અને 43 સભ્યો વોટિંગમાં સામેલ નહોતા. એવું માનવામાં આવે છે કે આ મત ઇઝરાયેલ માટે પડકાર રજૂ કરે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં દેશની સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે.

ઠરાવમાં સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને સમર્થન આપવામાં આવ્યું છે. આ ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટિનિયન પ્રદેશોમાં ઈઝરાયેલની હાજરી ગેરકાયદેસર છે અને તેનો અંત આવવો જોઈએ. અદાલતે જુલાઈમાં ચુકાદો આપ્યો હતો કે ઇઝરાયેલ કબજે કરનાર સત્તા તરીકે તેની સ્થિતિનો દુરુપયોગ કરી રહ્યું છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે પશ્ચિમ કાંઠે અને પૂર્વ જેરુસલેમમાં ગેરકાયદેસર ઇઝરાયેલ વસાહતો છે.

વોટિંગમાં ઈઝરાયેલની સાથે કોણ
સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયેલ વિરુદ્ધના આ ઠરાવના વિરોધમાં 124 મત પડ્યા હતા. જ્યારે 14 વોટ ઈઝરાયેલના સમર્થનમાં હતા જેમાં અમેરિકા, ચેકિયા, હંગેરી, આર્જેન્ટિના અને ઘણા નાના પેસિફિક ટાપુ દેશો સામેલ હતા. ફ્રાન્સ, ફિનલેન્ડ અને મેક્સિકો સહિત યુએસના કેટલાક સાથીઓએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે ભારત, યુનાઇટેડ કિંગડમ, યુક્રેન અને કેનેડાએ મતદાનમાં ભાગ લીધો ન હતો. મતદાનમાં ભાગ ન લેવા બદલ આ દેશોને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top