World

અમેરિકા અને જાપાને અવકાશમાં અણુ શસ્ત્રો સ્થાપિત કરવા પર પ્રતિબંધ મૂકતો ઠરાવ UNમાં રજૂ કર્યો

અમેરિકા (America) અને જાપાન (Japan) યુએન સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવને સ્પોન્સર કરી રહ્યા છે જેમાં તમામ દેશોને અવકાશમાં અણુ શસ્ત્રો (Nuclear Weapons) તૈનાત અથવા વિકસિત ન કરવા હાકલ કરવામાં આવી છે એમ અમેરિકી રાજદૂતે જાહેરાત કરી છે. લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષામાં અણુ શસ્ત્રોને સ્થાપિત કરવું જોખમી અને અસ્વીકાર્ય હશે.

  • થોડા દિવસ પહેલાં અમેરિકાએ જણાવ્યું હતું કે રશિયાએ એન્ટિ-સેટેલાઇટ શસ્ત્ર ક્ષમતા પ્રાપ્ત કરી છે
  • પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષામાં અણુ શસ્ત્રોને સ્થાપિત કરવું જોખમી અને અસ્વીકાર્ય હશે: અમેરિકા

ગયા મહિને વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી હતી કે રશિયાએ મુશ્કેલીમાં મૂકનારી એન્ટિ-સેટેલાઇટ શસ્ત્ર ક્ષમતા પ્રાપ્ત કરી છે, જો કે આવા હથિયાર હજી કાર્યરત નથી. આ પુષ્ટિના પગલે અમેરિકા અને જાપાને એક ઠરાવ પ્રસારિત કર્યો હોવાની જાહેરાત કરી હતી. બાદમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને જાહેર કર્યું હતું કે મોસ્કોનો અવકાશમાં પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાનો કોઈ ઈરાદો નથી, અને દાવો કર્યો કે દેશે માત્ર અમેરિકા જેવી જ અવકાશ ક્ષમતાઓ વિકસાવી છે. અમેરિકા અને રશિયા સહિત લગભગ 114 દેશો દ્વારા બહાલી આપવામાં આવેલી આઉટર સ્પેસ સમજૂતી ભ્રમણકક્ષામાં અણુ શસ્ત્રો અથવા અન્ય કોઈ પણ પ્રકારના સામૂહિક વિનાશના શસ્ત્રોને તૈનાત કરવા પર અથવા બાહ્ય અવકાશમાં અન્ય કોઈ પણ રીતે શસ્ત્રોને સ્થાપિત કરવા પર પ્રતિબંધ મૂકે છે.

જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા જેમણે કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી તેમણે જણાવ્યું હતું કે શીત યુદ્ધના સંઘર્ષના વાતાવરણ દરમિયાન પણ હરીફ દેશો બાહ્ય અવકાશ શાંતિપૂર્ણ રહે તે સુનિશ્ચિત કરવા સંમત થયા હતા. સામૂહિક વિનાશના કોઈપણ શસ્ત્રોને ભ્રમણકક્ષામાં મૂકવા પર તે પ્રતિબંધને આજે યથાવત રાખવો જોઈએ એમ તેમણે કહ્યું હતું.

Most Popular

To Top