ઉમરગામ:(Umargam) ઉમરગામના દરિયામાં (Sea) પથ્થરો પર બેસી વાતો કરી રહેલા સગીર યુવક યુવતીની (Girl-Boy) ફરતે પાણી ફરી વળતા દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક લોકો, પોલીસ (Police) અને ફાયર ફાઈટરના જવાનો તાત્કાલિક પહોંચી જઈ બંનેને ડુબતા બચાવી (Rescue) લેતા હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ ટાઉન દરિયા કિનારે રવિવારનો દિવસ હોય મોટી સંખ્યામાં પર્યટકો હરવા ફરવાની મોજ માણી રહ્યા હતા. ઉમરગામ ગાંધીવાડીના સગીરવયના જણાતા યુવક યુવતી દરિયામાં પથ્થરો પર બેસી પોતાની વાતોમાં મગ્ન હતા. તે દરમિયાન બપોરના સમયે દરિયાઈ ભરતીના પાણી જોત જોતામાં પથ્થરોની આજુબાજુ ફરી વળતા આ બંને જણા પથ્થરોની વચ્ચે દરિયાઈ પાણીમાં ફસાઈ જતાં જીવ ટાળવે ચોટી ગયા હતા અને ગભરાટનો માહોલ સર્જાઈ ગયો હતો. દરિયા કિનારે ફરવા આવેલા તથા સ્થાનિક લોકોએ આ બંનેને બચાવવા બુમાબુમ કરી હતી. ઉમરગામ પોલીસ તથા મરીન પોલીસ અને ફાયર ફાઈટરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને દરિયાના પાણીમાં ડૂબતા આ બંનેને બચાવી હેમખેમ બહાર કાઢતા તમામે હાશકારો અનુભવ્યો હતો.
વાઘેચામાં મિત્રો સાથે નદીમાં ન્હાવા પડેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જતાં મોત
બારડોલી : બારડોલી તાલુકાના વાઘેચા ગામે તાપી નદીમાં સ્નાન કરવા ગયેલા 6 મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત થયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતો અતુલ અજય મિશ્રા (ઉ.વર્ષ 16, મૂળ રહે કરંગા, તા. બાલાપુર, જી.ગોંડા, ઉત્તરપ્રદેશ) રવિવારના રોજ તેના મોટાભાઈ સચિન અને મિત્રો વીરેન્દ્ર આર્યા, ભોલા મિશ્રા, દિપક ચમાર તેમજ બંટી ચમાર સાથે બે મોટર સાઇકલ પર ગલતેશ્વર મંદિરે ફરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.
- પલસાણાના 6 મિત્રો બે બાઇક પર ગલતેશ્વર મંદિરે ફરવા જવાનું કહીને નીકળ્યા અને ત્યાંથી વાઘેચા મંદિરે ગયા
- મંદિરે દર્શન કરી તાપી નદીમાં મિત્રો સ્નાન કરવા પડતા સગીર નદીમાં ખેંચાઈ ગયો
ત્યાંથી તેઓ વાઘેચા મંદિરે ગયા હતા. મંદિરે દર્શન કર્યા બાદ નજીકથી પસાર થતી તાપી નદીમાં તમામ 6 મિત્રો સ્નાન કરવા પડ્યા હતા. તે સમયે અતુલ અચાનક નદીના પાણીમાં ખેંચાઈ જતા અન્ય મિત્રો ગભરાય ગયા હતા અને બહાર નીકળી બુમાબુમ કરી હતી. જો કે અતુલ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હોય કોઈ પત્તો લાગ્યો ન હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે બારડોલી ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ ભાળ નહીં મળતા સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઇ હતી. દરમ્યાન અતુલની લાશ નદીમાંથી મળી આવી હતી. કડોદ આઉટ પોસ્ટના જમાદાર રાકેશ વસાવાએ આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.