ઉમરગામ: (Umargam) ઉમરગામમાં પતિ સાથે અવારનવાર ઝઘડો (Quarrel) થતો હોવાથી પત્ની પિયર રહેવા આવી ગઈ હતી. પતિ પિયરમાં રહેતી પત્નીના (Wife) ઘરે આવી પહોંચ્યો હતો અને તેની પાસે મોબાઈલ (Mobile) ફોનની માંગણી કરી હતી. જો કે પત્નીએ આપવાની ના પાડતાં પતિએ ઉશ્કેરાઈને પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ પરિણિતાના મોટાભાઈએ ઉમરગામ પોલીસ મથકમાં કરી હતી.
- ઉમરગામમાં પિયરમાં રહેતી પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરી પતિ ફરાર
- વારંવાર ઝઘડો કરતાં પતિથી ત્રાસી પત્ની પિયર રહેવા આવી ગઈ હતી
- પતિએ પત્નીના પિયર પહોંચી મોબાઈલ માંગ્યો, ના પાડતાં ચપ્પુના ઘા ઝીંક્યા
ઉમરગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઉમરગામ તાલુકાના ગાંધી વાડીમાં રહેતા પ્રદિપ નંદલાલ રાજભરીની નાની બહેન નિશાએ ચંદન સુરેન્દ્ર મિશ્રા સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. હાલ તેઓ ઉમરગામ ફાટક પાસે ભાડાના રૂમમાં રહે છે. ચંદન મિશ્રા નાની-નાની બાબતોમાં ઝગડો કરી માનસિક-શારીરિક ત્રાસ આપતો હોવાથી પત્ની નિશા કંટાળી તેના પિયર ઉમરગામમાં રહેવા આવી ગઈ હતી. ચંદન મિશ્રા સાંજના છેડે પિયરમાં રહેતી પત્ની નિશા પાસે આવ્યો હતો અને તેની પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો, જે નહીં આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો.
ઘરમાંથી ચપ્પુ લાવી નિશા ઉપર હુમલો કર્યો હતો. જેમાં નિશાના પીઠ તથા પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવતાં હુમલો કરનાર પતિ ત્યાંથી ભાગી છૂટયો હતો. ઈજાગ્રસ્ત નિશાને સારવાર માટે ગાંધીવાડી દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર માટે સેલવાસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની ફરિયાદ નિશાના મોટાભાઈ પ્રદિપ રાજભારીએ ઉમરગામ પોલીસ મથકમાં કરી હતી.