ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના ભિલાડ તળાવપાડામાં લગ્નપ્રસંગમાં (Marriage) દંપતી ગયું હતું અને તે સમયે પત્ની ત્યાંથી ઘરે પરત આવી ગઈ હતી. જેથી ઉશ્કેરાયેલા પતિએ ઘરે આવી લગ્નપ્રસંગમાં મને એકલો કેમ છોડીને આવી ગઈ કહી લાકડાના ફટકા વડે મરણતોલ માર મારી ગર્ભવતી (Pregnant) પત્નીની હત્યા (Murder) નિપજાવી હતી. જે બનાવ અંગેની ફરિયાદ મૃતક દિકરીના પિતાએ ભિલાડ પોલીસ મથકે કરી હતી.
- ‘લગ્નપ્રસંગમાં મને એકલો છોડીને કેમ આવી ગઈ’ પતિએ લાકડાના ફટકા મારી ગર્ભવતી પત્નીને પતાવી દીધી
- ઉમરગામના ભિલાડમાં પરિણીતા સાસુ અને દેરાણી સાથે ઘરે આવી જતા પતિએ ઉશ્કેરાઇ હત્યા કરી
ભિલાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ઉમરગામ તાલુકાના ભિલાડ તળાવપાડામાં રહેતો મહેશ ધીરૂ વારલી ગામમાં લગ્ન પ્રસંગ હોય તેની પત્ની બીના ઉર્ફે મીના ઉર્ફે બેબી (ઉં.આ.36) સાથે ગયો હતો. લગ્નપ્રસંગમાં બીનાબેનના સંબંધી ભાઈ સંજય તથા સંદીપ પણ આવ્યા હતાં. લગ્નપ્રસંગમાંથી બીનાબેન, સાસુ અને દેરાણી સાથે ઘરે આવી ગયા હતા. તે બાદ મહેશ પણ ઘરે પહોંચી ગયો હતો.
મહેશે તેની પત્ની સાથે બોલાચાલી કરી લગ્નપ્રસંગમાં મને એકલો છોડીને કેમ ઘરે આવી ગઈ, કહી લાકડાના ફટકા વડે મરણતોલ માર માર્યો હતો. જેને છોડાવવા માટે સંબંધી ભાઈ આવતા તેને પણ મારવા આવતા તેઓ ત્યાંથી ચાલી ગયા હતાં. લાકડા અને છૂટાહાથ વડે માર મારી જીવલેણ ઈજાઓ કરી ગર્ભવતી પત્નીની હત્યા કરી નાંખી હતી. જે બનાવ અંગેની ફરિયાદ મૃતક દિકરીના પિતા અમૃત રધિયા વારલી (રહે.પાલીધુયા)એ ભિલાડ પોલીસ મથકમાં નોંધાવી હતી.
વાપીના ડુંગરાથી ગુમ 3 વર્ષના બાળકની લાશ બલીઠા કેનાલમાંથી મળી
વાપી : વાપી નજીકના ડુંગરા ગામમાં રહેતો યુપીવાસીના પરિવારનો 3 વર્ષના દિકરો ગુમ થયો હતો. રાત્રીના પિતા ઘરે આવ્યા ત્યારે દિકરો નજરે નહીં પડતા તેની શોધખોળ કરી હતી. ડુંગરામાંથી પસાર થતી કેનાલમાં છોકરાઓ ન્હાવા માટે પણ જતા હોય છે. જેથી તેની ત્યાં પણ શોધખોળ કરતા પત્તો મળ્યો ન હતો અને થોડા દિવસ બાદ બલીઠા નહેરમાંથી એક બાળકની લાશ મળી હતી. જેથી તેઓ ત્યાં પહોંચી જોતા તેમના દિકરાની લાશ હોવાનું જણાયું હતું.
વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ યુપીનો વતની અને હાલ વાપીના ડુંગરા કોલોનીમાં આવેલી ચાલીમાં રહેતા નંદકિશોર અશરફી કૌલિક નાના દિકરા રામકુમાર (ઉંઆ.3) સાથે રહે છે. તેના ત્રણ સંતાન વતનમાં રહે છે. જ્યારે પત્નીનું બિમારીને કારણે મોત નિપજ્યું હતું. ગત તા.9-5-23 ના રોજ નંદકિશોર મજૂરી કામાર્થે ગયો હતો અને રાત્રે આઠેક વાગ્યે પરત આવ્યો ત્યારે નાનો દિકરો ઘરે જોવા મળ્યો ન હતો. જેથી તેણે શોધખોળ કરી હતી.
ચાલીની બાજુમાંથી પસાર થતી કેનાલમાં છોકરાઓ ન્હાવા માટે પણ જતા હોય ત્યાં પણ તપાસ કરતા કોઈ પત્તો મળ્યો ન હતો. ગુરૂવારે વાપી નજીકના બલીઠા કેનાલમાં તણાઈ આવેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ નંદકિશોરને થતાં તે સ્થળ પર પહોંચી તેના દિકરાની લાશ હોવાની ઓળખ કરી હતી. તેનો દિકરો ઘરેથી ગુમ થયો હતો અને તે આકસ્મિક રીતે કેનાલના પાણીમાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હોય જે બનાવ અંગેની જાણ પિતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં કરી હતી.