Dakshin Gujarat

ઉમરગામમાં આભ ફાટતા પાણી-પાણી: 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘુસ્યા

વલસાડ : ઉમરગામ (Umargam)માં રવિવારે સતત વરસતા વરસાદ (continuously rain) સાથે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ (Heavy rain) જોવા મળ્યું હતું. રવિવારે વહેલી સવારથી જ મેઘરાજાએ માઝા મૂકી હતી, અને સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ અનરાધાર સાડા આઠ ઈંચ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. સવારથી સાંજ સુધીમાં ઉમરગામમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ઘણા સમયથી વિરામ (After long time) બાદ આજે સવારે બે કલાકના ગાળામાં જ વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે ઉમરગામના વિવિધ વિસ્તારોમાં પાણી ફરાયા છે. શહેરના રસ્તાથી લઈ લોકોના ઘરની અંદર પાણી જ પાણી જોવા મળ્યા હતા. જેમાં ઉમરગામ તાલુકાના ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, એસએમવી રોડ જેવા અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નવસારી જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીના પુલ પાણીમાં ગરકાવ થઇ ચૂક્યો છે. ત્યારે મેલરીયા નદીના પુલ ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઇ રહ્યો છે. ઉમરગામના નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના બાળકોથી માંડી પરિવારજનો ઘરની અંદર ઘૂસેલા પાણીને બહાર ઉલેચતા અને ઘરમાં રહેતી ઘરવખરીને સલામત સ્થળે રાખતા જોવા મળ્યા હતા.

આકરી ગરમી અને બફારાનો સામનો કરી રહેલા જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે લોકો ઘરની અંદરથી પાણી ઉલેચવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉમરગામ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, SMV રોડ, ઉદવાડા પરિયા રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ વિસ્તારના અનેક મકાનોની અંદર પાણી ઘૂસ્યા હતા. ઉમરગામમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ભીલાડ અંડરપાસમાં પાણી ભરાયા હતા. અંડરપાસ આખો ડૂબી જતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. વાહનવ્યવહાર બંધ થતા વાહનચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.

વલસાડમાં સવારે 6 થી બપોરે 12 સુધીમાં વરસેલો વરસાદ

તાલુકોમી.મી.
ઉમરગામ232
વાપી226
વલસાડ148
કપરાડા41
ધરમપુર89
પારડી82

સ્વભાવિક છે કે, ટૂંકા સમયમાં વધુ વરસાદ વરસે તો પાણી ભરાવાની સમસ્યા સર્જાય. પરંતુ, ઉમરગામમાં જે રીતે લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા અને રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તે લોકોએ ક્યારે વિચારી પણ નહીં હોય. ઉમરગામમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે પાલિકાના પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ હતી.

Most Popular

To Top