ઉમરગામ: (Umargam) ઉમરગામ GIDC સ્થિત બે ફેક્ટરીમાં ભીષણ આગ (Fire) લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરાયો હતો. ઉમરગામ જીઆઇડીસીમાં નાલંદા હોટલ નજીક થર્ડ ફેઝ વિસ્તારની ભારત રેઝીન્સ લિ. નામની કંપનીમાં રવિવારે સવારના સમયે આગ લાગી હતી. કંપનીમાં થીનર કે કોઈ જ્વલંતશીલ પ્રવાહી કેમિકલ હોવાથી તેના ડ્રમ ધડાકાભેર ફાટ્યા હોવાની વાત છે અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. બાજુમાં અડીને આવેલ રાજીવ ગારમેન્ટ નામની કાપડની કંપનીને પણ આગે ઝપેટમાં લઈ લેતા દોડધામ મચી જવા પામી હતી. સમગ્ર વિસ્તારમાં આગના ગોટેગોટા છવાઈ ગયા હતા અને અફડાતફડી મચી જવા પામી હતી, જેથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
- ઉમરગામ GIDCની બે ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી, પારાવાર નુક્સાન
- ભારત રેઝીન્સ લિ.માં પ્રવાહી કેમિકલના ડ્રમ્સ ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ, આગના ગોટેગોટાએ ગભરાટ ફેલાવ્યો
- ફાયર બ્રિગેડ પહોંચે તે પૂર્વે બાજુની અન્ય કંપની પણ આગની લપેટમાં ચઢી ગઈ, મેજર કોલ જાહેર કરાયો
બે કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની જાણ થતા જ ઉમરગામ પોલીસ તથા યુઆઇએના પ્રમુખ જીગ્નેશભાઈ બારી, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરો તથા ઉમરગામ સરીગામ વાપી દહાણુ સેલવાસ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. ત્રણ ચાર કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગથી કંપનીમાં રાખેલ માલ સામાન, મટિરીયલ, મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી તથા કંપનીના બાંઘકામ શેડને પણ ભારે નુકસાન થયું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જીએસપીસીની ગેસ લાઈન હોવાથી, તે લીક થવાના કારણે આગ લાગી હોવાની ચર્ચા છે. જો કે આગ લાગવાનું કોઈ નક્કર કારણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી.
ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી આગની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે. ઉમરગામ નોટિફાઇડ જીઆઇડીસી પાસે મીની ફાયર ફાઈટર છે. જીઆઇડીસી વિસ્તારમાં નાની મોટી 1200થી વધુ કંપનીઓ કાર્યરત છે. GIDC સ્થપાયાને ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો છે ત્યારે અદ્યતન અને મોટા ફાયર ફાઈટરની લાંબા સમયથી માંગણી ઊઠવા પામી છે. જાણવા મળ્યું છે કે ઉમરગામ યુઆઈએના પ્રયાસોથી નોટિફાઇડ ગ્રાન્ટમાંથી ફાયર ફાઈટરની મોટી ગાડી ખરીદવા ગ્રાન્ટની ફાળવણી થઈ ગઈ છે, તેને મંજૂરી મળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉમરગામમાં ઘર આંગણે ફાયર ફાઈટરની અદ્યતન સુવિધા ઉપલબ્ધ થવાથી આગની ઘટનામાં ઝડપથી આગ ઉપર કાબુ મેળવી શકાશે અને મોટા નુકસાનથી પણ બચી શકાશે. હાલમાં તો સરીગામ, વાપી, સેલવાસથી ફાયર ફાઈટર આવતા હોય ઘણો જ સમય નીકળી જાય છે અને ત્યાં સુધીમાં ઘણું બધું મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે.