ઉમરગામ: (Umargaam) ભારે ઉકળાટ અને અસહ્ય બફારા વચ્ચે સમગ્ર ઉમરગામ તાલુકામાં મેઘરાજાની (Rain) ધમાકેદાર પધરામણી થઈ છે. લોકો ખેડૂતો (Farmers) ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ઉમરગામ તાલુકામાં માત્ર 16 કલાકમાં જ 9 ઇંચ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી.
- ઉમરગામમાં 16 જ કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકી ગયો
- અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા
- ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદથી આનંદની લાગણી
વલસાડના ઉમરગામ પંથકમાં રવિવારની રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રવિવારે શરૂ થયેલા વરસાદનું જોર સોમવારે આખો દિવસ રહ્યું હતું અને ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત થઈ હતી. વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં પણ વાવણી લાયક વરસાદથી આનંદની લાગણી જોવા મળી હતી. રવિવારે રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં 94 મીમી, સોમવારે સવારે છ વાગ્યા સુધીમાં વધુ 25 મીમી અને સવારે 6 થી 8 માં 15 મી.મી. 8 થી 10માં 10 મીમી, 10 થી 12 વચ્ચે 50 મીમી અને બપોરે 12 થી 2 માં 23 મીમી વરસાદ પડ્યો હતો. બપોરે બે થી સાંજના પાંચ વાગ્યા સુધીમાં વરસાદ ધીમો પડ્યો હતો.
ઉમરગામ પંથકમાં પાછલા 16 કલાકમાં 227મીમી એટલે કે (9 ઈંચ) વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ઉમરગામ ટાઉનમાં સ્ટેશન રોડ ઉપર અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે સંજાણ રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી.
વાપીમાં 4 ઇંચ વરસાદથી હાઈવે પર પાણી ભરાયા
વાપી : વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારથી ચોમાસું જામ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. સોમવારે મળસ્કેથી જ વાપીમાં 4 ઇંચ જેટલો જોરદાર વરસાદ પડતાં માર્ગો ઉપર ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીના નવા અને જૂના રેલવે ગર નાળામાં પાણીનો ભરાવો થયો હતો. જેને લઈ વાહનચાલકો અકળાયા હતાં.
વાપીમાં સોમવારે પડેલા જોરદાર વરસાદને કારણે વાપીના માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વાહનચાલકો પરેશાન બની ચૂક્યા છે. વાપીમાં મોટા રેલવે અન્ડરપાસ તથા નાના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને લઈ રોજીંદા અવરજવર કરનારા ફોર વ્હીલરવાળા અને નાના વાહનચાલકો અકળાયા હતાં. તો બીજી તરફ વાપી બલીઠા હાઈવે પર પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સર્જાતાં જવાબદાર વિભાગની ટીમ દ્વારા પ્રિમોન્સુનની કામગીરી થઈ હોવાના દાવાઓ પણ પોકળ સાબિત થયા હતાં.
વાપીના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ મોટ ભાગના વાહનચાલકોએ હવે વાપી રેલવે ફાટક તથા બલીઠા ફાટકનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ છે. જો કે, અહીં પણ ટ્રેનના સમયે ફાટક બંધ રહેતા વાહનોની લાંબી કતારો લાગી જાય છે.