મોસ્કો: 8 ઓક્ટોબરના રોજ યુક્રેને(Ukraine) રશિયા(Russia)નું ગૌરવ ગણાતા ક્રિમિયાના ક્રેઝ સ્ટ્રેટ બ્રિજ(Crimea Bridge) પર હુમલો કર્યો હતો, જે બાદ દુનિયાએ બ્રિજ તૂટી પડવાની તસવીર જોઈ હતી. યુક્રેનના આ હુમલા બાદ રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. તેમજ તમામ દેશોએ હવે પરમાણુ હુમલાની સંભાવના વ્યક્ત કરી છે. આ બધાની વચ્ચે હવે રશિયાની સુરક્ષા એજન્સી એફએસબીએ મોટો ખુલાસો કરતા કહ્યું છે કે ક્રિમિયા બ્રિજ પર હુમલો યુક્રેનના સંરક્ષણ મંત્રાલયની ગુપ્તચર એજન્સીના વડા કિરીલ બુડાનોવ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ રશિયન સુરક્ષા એજન્સીએ 8 લોકોની ધરપકડ કરી છે. આ આઠ લોકોમાંથી 5 રશિયન નાગરિકો, 3 યુક્રેનિયન અને 1 આર્મેનિયન છે.
કેવી રીતે થયો આ હુમલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એફએસબી દ્વારા પૂછપરછમાં, આ ધરપકડ કરાયેલા આરોપીઓએ જણાવ્યું કે આ હુમલાનું કાવતરું ઓગસ્ટ મહિનામાં ઘડવામાં આવ્યું હતું. વિસ્ફોટકો 22 પોલીથીન-લપેટી બાંધકામ પેલેટમાં છુપાવવામાં આવ્યા હતા જે કાર્ગો, આર્મેનિયાના યરવાન ટર્મિનલને 29 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબરની વચ્ચે પહોંચાડવામાં આવ્યા હતા. 4 ઑક્ટોબરે જ્યોર્જિયા રજિસ્ટ્રેશન ટ્રક પર લોડ કરાયેલ, વિસ્ફોટક 6 ઑક્ટોબરે રશિયન શહેર આર્માવીરમાં પહોંચાડવામાં આવ્યું હતું. 7 ઓક્ટોબરના રોજ સોલોમ્કો નામના યુક્રેનિયન નાગરિકે 5 રશિયન નાગરિકોની મદદથી આ વિસ્ફોટક કાર્ગોના દસ્તાવેજોની આપલે કરી હતી. 7 ઓક્ટોબરે રશિયન નાગરિક મિખિર યુસુબોવના ટ્રકમાં આ કાર્ગો લોડ કરવામાં આવ્યો હતો. ટ્રક સિમ્ફોરોપોલથી નીકળી હતી અને ક્રિમિયા બ્રિજ પર સવારે 6:03 વાગ્યે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. યુક્રેન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ હુમલામાં 22.7 ટન વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પરમાણુ હુમલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલા બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રોષે ભરાયા છે. ક્રિમીઆ બ્રિજ પર હુમલા બાદ રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર મિસાઈલ છોડી હતી. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે રશિયા પરમાણુ હુમલો કરી શકે છે. માનવામાં આવે છે કે આ યુદ્ધમાં બેલારુસ કૂદી પડ્યું છે. બેલારુસે યુક્રેનની સરહદ પરથી તેની સેનાને હટાવી દીધી છે, જ્યાં પહેલાથી જ હજારો રશિયન સૈનિકો છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ક્રિમીઆ બ્રિજ હુમલા બાદ રશિયા દ્વારા લેવામાં આવેલા આ પગલાંને ધ્યાનમાં રાખીને અમેરિકા સહિત યુરોપે આશંકા વ્યક્ત કરી છે કે પુતિન યુક્રેન પર કેમિકલ અથવા પરમાણુ હુમલો કરી શકે છે. એટલું જ નહીં દુનિયાના 7 સૌથી મોટા અર્થતંત્રવાળા દેશોના સંગઠન G-7એ પણ આશંકા વ્યક્ત કરી છે.