કિવ: યુદ્ધના છઠ્ઠા દિવસે યુક્રેનની (Ukrainewar) રાજધાની કિવ (Kyiv) પર કબ્જો જમાવવાના ઈરાદે રશિયાના (Russia) સૈનિકો આગળ વધી રહ્યાં છે. કિવ શહેરની બહાર યુક્રેનના રસ્તાઓ 64 કિલોમીટર લાંબા વિસ્તારમાં રશિયન સૈનિકોનો મસમોટો કાફલો ટેન્ક, હથિયારો સાથે ચાલતો સેટેલાઈટ ઈમેજમાં (Satellite image ) નજરે પડ્યો છે. આ સાથે જ કિવ શહેરમાં ઠેરઠેર રહેણાંક ઈમારતો પર રશિયન સૈનિકો દ્વારા હુમલો શરૂ કરી દેવાયો છે. કિવના રસ્તાઓ પર બોમ્બમારાના લીધે ખાડાઓ પડી ગયા છે.
વાહનો, ઈમારતો તબાહ થઈ ગઈ છે. સેન્ટ્રલ સ્કેવર નામની ઈમારત અને એક હોસ્પિટલ પર રશિયન સૈનિકે મિસાઈલ હુમલો કર્યો છે. કિવ ઉપરાંત ખારકિવમાં પણ સતત બોમ્બ અને મિસાઈલથી હુમલો થઈ રહ્યો છે. આખુંય શહેર તબાહ થઈ ગયું છે. આ તરફ યુદ્ધ વધુ ઘેરું બની રહ્યું હોય સ્થાનિક લોકો યુક્રેન છોડી ભાગી રહ્યાં છે. ભારતીય નાગરિકોને પણ તાત્કાલિક યુક્રેન છોડી દેવા એડવાઈઝરી ભારત સરકારે જાહેર કરી છે, ત્યારે પોલેન્ડ સરકારે દાવો કર્યો છે કે છેલ્લાં 24 કલાકમાં એક લાખ લોકો પોલેન્ડમાં આવ્યા છે.
યુક્રેન તરફ આગળ વધતા રશિયન સૈનિકોની સેટેલાઈટ ઈમેજ બહાર આવી
મેકસાર દ્વારા યુક્રેન બોર્ડરની કેટલીક સેટેલાઈટ ઈમેજ જાહેર કરાઈ છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે યુક્રેનના રસ્તાઓ પર 64 કિલોમીટર સુધી રશિયન સૈનિકોનો કાફલો ચાલી રહ્યો છે. રશિયન મિલીટરીના કાફલાને જોતા એ અંદાજ મુકી શકાય છે કે રશિયા યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કરી તેને કબ્જો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન સેટેલાઈટ ઇમેજિંગ કંપની મેક્સાર ટેક્નોલોજીએ આ તસવીરો પોસ્ટ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયન સૈનિકોનો આ કાફલો રવિવારથી જ અહીં તૈનાત હતો, હવે તે ધીમે ધીમે યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહ્યો છે. આ કાફલામાં ટેન્ક સહિતના હથિયાર અને વાહનો પણ સામેલ છે.
સેટેલાઈટ ઈમેજથી એ સ્પષ્ટ થયું છે કે રશિયાનો કાફલો એન્ટોનોવ એરપોર્ટ પાસે છે. આ એરપોર્ટ યુક્રેનની રાજધાની કિવથી 18 માઈલના અંતરે પ્રિબિર્સ્ક શહેર પર આવેલું છે. મેકસાર દ્વારા જાહેર કરાયા અનુસાર આ રસ્તા પર થોડા થોડા અંતરે વાહનો ઉભા છે. તેની આસપાસ ઈવાનકિવના ઉત્તર-પશ્ચિમી અને ઉત્તરમાં અમુક ઘરો અને ઈમારતો સળગતી દેખાય છે.
હેલિકોપ્ટરો પણ કાફલામાં સામેલ
સેટેલાઈટ ઈમેજમાં યુક્રેન બોર્ડરની ઉત્તરમાં 20 માઈલ કરતા ઓછા અંતરે દક્ષિણ બેલારૂસની પણ તસવીરો જોવા મળી રહી છે. અહીં આર્મી હેલિકોપ્ટરનો મોટો કાફ્લો છે. રશિયા અહીંથી મોટા હવાઈ હુમલા કરવાની તૈયારી કરતી હોવાનું લાગે છે. જેથી યુક્રેન સરકારને સત્તા પરથી હટાવી શકાય.