કિવ: છેલ્લાં પાંચ દિવસથી રશિયા-યુક્રેન વોરમાં (Russiaukrainewar) ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Student) માટે એક રાહતના સમાચાર આવ્યા છે. યુક્રેનની રાજધાની કીવમાં કરફ્યૂ (Curfew ) હટાવી લેવાયા બાદ આજે આ વિદ્યાર્થીઓને યુક્રેનની બહાર કાઢવા માટે કિવથી એક સ્પેશ્યિલ ટ્રેન (Special Train) દોડાવાઈ છે. આજે સોમવારે બપોરે 12.30 કલાકે કીવથી રોમાનિયા બોર્ડર (Romania border) જવા માટે એક ટ્રેન ઉપડી છે, જેમાં અંદાજે 700 વિદ્યાર્થીઓ રવાના થયા છે.
રશિયા છેલ્લાં 5 દિવસથી યુક્રેન પર હુમલો કરી રહી છે. રશિયન આર્મી યુક્રેનની રાજધાની કિવ ઉપરાંત ખાર્કિવ સહિત કેટલાંય શહેરોમાં ઘૂસી ગઈ છે. રશિયન આર્મી રેસિડેન્શીયલ એપાર્ટમેન્ટ્સ પર પણ હુમલો કરી રહી હોય યુક્રેનમાં વસતા ભારતીય વિદ્યાર્થી અને નાગરિકોની જાનમાલનો ખતરો ઉભો થયો છે. ભારતીય નાગરિકો ભારતનો રાષ્ટ્રધ્વજ સાથે રાખે તો રશિયન આર્મી તેમને નુકસાન નહીં પહોંચાડે તેવી જાહેરાત કરાઈ હતી, પરંતુ યુદ્ધની અંધાધૂંધીમાં ભયનો માહોલ છે, ત્યારે ભારતીય નાગરિકો વહેલામાં વહેલી તકે પોતાના વતન પરત ફરવા માંગી રહ્યાં છે. ઘણા વિદ્યાર્થી-નાગરિકો યુક્રેન પોલેન્ડ બોર્ડર પર ફસાયા છે. ભૂખ્યા-તરસ્યાં આ લોકો પર યુક્રેનની આર્મી ત્રાસ ગુજારી રહી હોવાના પણ અહેવાલ છે. આ તમામ અફરાતફરી વચ્ચે યુદ્ધના પાંચમા દિવસે એક સારા સમાચાર આવ્યા છે.
યુક્રેનની રાજધાની કિવ અને ખાર્કિવ સહિત નજીકના શહેરોમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને સુરક્ષિત બોર્ડર સુધી પહોંચાડવા પ્રયાસો શરૂ થયા છે. યુક્રેનમાં કીવમાં ફસોલા સીજીની સાથે, ભારતીય વિદ્યાર્થીઓને આજે સોમવારે એક સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત સવારે 9 વાગ્યે થઈ હતી. વહેલામાં વહેલા વિદ્યાર્થીઓને સ્ટેશન પહોંચવા સૂચના અપાઈ હતી. બપોરે લગભગ 12.30 કલાકે ટ્રેન ઉપડી ત્યારે તેમાં 700 વિદ્યાર્થી હતા. આ વિદ્યાર્થીઓ બંકરમાં છૂપાયેલા હતા. તેઓ પોતાની રીતે જ રેલવે સ્ટેશન તરફ ગયા હતા. દૂતાવાસ તરફથી કોઈ મદદ મળી નહોતી. બંકરમાંથી બહાર નીકળવું પણ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ હતું, કારણ કે રસ્તા પર રશિયન અને યુક્રેન આર્મી હથિયારો સાથે લડી રહી હતી. એટીએમ બંધ હોવાથી વિદ્યાર્થીઓ પાસે રૂપિયા પણ નહોતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બીજી એક સ્પેશ્યિલ ટ્રેનની પણ વ્યવસ્થા કરાઈ છે. આશા છે કે ભારતીય વિદ્યાર્થીઓ વહેલી તકે યુક્રેનથી નીકળી રોમાનિયા પહોંચી જશે.