Top News

યુદ્ધમાં યુક્રેન કેમ એકલું પડી ગયું? શું અમેરિકા અને નાટો રશિયાથી ગભરાયા?

નવી દિલ્હી: યુરોપના યુદ્ધમાં યુક્રેન (Ukraine) એકલું પડી ગયું છે. તે રશિયાના (Russia) ક્રોધનો સામનો કરી રહ્યો છે. રશિયન ટેન્કો યુક્રેનની રાજધાનીથી માત્ર 30 કિલોમીટર દૂર ઉભી છે. એવી આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે કે, 96 કલાકની અંદર રાજધાની કિવ (Kyiv) રશિયાના કબજામાં આવી જશે અને એક સપ્તાહમાં યુક્રેનની સરકાર પણ ઉથલાવી દેવામાં આવશે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આ યુદ્ધમાં અમેરિકા (America) સમર્થિત યુક્રેન કેમ અલગ રહી ગયું? છેવટે, શા માટે નાટોના સભ્ય દેશો અને યુ.એસ. રશિયાનો સીધો મુકાબલો કરવાથી પાછળ હટી ગયા છે? શા માટે તેઓ સીધો હુમલો કરવાને બદલે માત્ર પ્રતિબંધો સુધી મર્યાદિત છે?

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકા અને નાટો (NATO) દેશો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દરેક લોકો ડરી રહ્યા છે. અમે એકલા પડી ગયા છે. આખરે, શું કારણ છે કે કોઈ પણ દેશ પુતિનનો સીધો મુકાબલો કરવામાં અચકાય છે. કોઈ પણ દેશ માટે રશિયાને ટક્કર આપવી સરળ નથી. અમેરિકાએ પણ સીધું કહી દીધું છે કે અમેરિકા યુક્રેનમાં તેની સેના નહીં મોકલે. નાટો દ્વારા પણ આવો જ સંદેશ આપવામાં આવ્યો છે. મતલબ કે યુક્રેનને આ યુદ્ધ એકલા હાથે લડવું પડશે.

અમેરિકા કે નાટોનો કોઈ સભ્ય દેશ રશિયાનો સીધો મુકાબલો કરતા ડરે છે
જ્યારે રશિયા યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાએ ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. જ્યારે સરહદો પર સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા હતા, ત્યારે અમેરિકા સૌથી વધુ ગુસ્સે ભરાયું હતું. બિડેને તો ત્યાં સુધી કહ્યું હતું કે જો યુક્રેન પર હુમલો થશે તો નાટોના સભ્ય દેશો સાથે મળીને રશિયા પર હુમલો કરશે અને તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે, પરંતુ રશિયાએ આ ધમકીઓથી પીછેહઠ કરી નહી અને યુક્રેન પર લશ્કરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ત્યારપછી અમેરિકા કે નાટોનો કોઈ સભ્ય દેશ રશિયાનો સીધો મુકાબલો કરવા આગળ આવ્યો નથી, માત્ર પ્રતિબંધો જ લગાવ્યા છે.

યુરોપિયન દેશો શા માટે ડરે છે?
યુરોપિયન દેશો રશિયા પર સીધા હુમલા કરતા ડરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ રશિયા પર આ દેશોની નિર્ભરતા છે. કારણ કે યુરોપિયન દેશો ઊર્જા માટે મોટાભાગે રશિયા પર નિર્ભર છે. કેટલાક EU દેશો, જેઓ નાટોના સભ્યો પણ છે, તેમના કુદરતી ગેસના પુરવઠાના 40 ટકા રશિયા પાસેથી મેળવે છે. આવી સ્થિતિમાં જો રશિયા ગેસ અને ક્રૂડ ઓઈલની સપ્લાય બંધ કરે છે તો યુરોપમાં મોટા પ્રમાણમાં ઉર્જા સંકટ સર્જાય શકે છે. તેમજ વીજળી અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર મોંઘવારી કમર તોડી શકે છે. બધા દેશો તેનું પરિણામ જાણે છે. તેથી જ યુરોપિયન દેશો રશિયાનો સીધો મુકાબલો કરવામાં અચકાય રહ્યો છે અને માત્ર પ્રતિબંધો લગાવી રહ્યા છે.

રશિયા પર પ્રતિબંધોની કોઈ ખાસ અસર નથી
અમેરિકા અને અન્ય ઘણા દેશો દ્વારા રશિયા પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. છતા પણ રશિયા દ્વારા યુદ્ધ ચાલુ જ રાખવામાં આવ્યું છે. હકીકત એ છે કે રશિયા આર્થિક રીતે મજબૂત છે, અને પરમાણુ શક્તિ ધરાવે છે. તેથી કાઈ પણ દેશોના પ્રતિબંધોની તેના પર વધુ અસર થવાની નથી. અમેરિકા અને નાટો દેશો પર સીધો હુમલો ન કરવાનું આ પણ એક કારણ છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં રશિયાનું આંતરરાષ્ટ્રીય ચલણ અનામત $630 બિલિયન હતું. પરંતુ વધુ રસપ્રદ વાત એ છે કે આમાંથી માત્ર 16 ટકા જ ડોલર સ્વરૂપે રાખવામાં આવે છે. જ્યારે પાંચ વર્ષ પહેલા તે 40 ટકા હતો.

ચીનનું રશિયાને સમર્થન
ચીન એશિયાના સૌથી શક્તિશાળી દેશોમાંથી એક દેશ છે. રશિયા અને ચીન વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં વિકસ્યા છે. અમેરિકા પણ આ જાણે છે. તે જ સમયે, અમેરિકાએ પહેલેથી જ ચીન સાથે દુશ્મનાવટમાં કરી લીધું છે. આવી સ્થિતિમાં જો રશિયા પર સીધો હુમલો થશે તો તેને ચોક્કસપણે ચીનનું સમર્થન મળશે. તેથી, શક્તિશાળી દેશો વચ્ચેનો મુકાબલો દરેક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

પરમાણુ શક્તિ ધરાવતો સૌથી મોટો દેશ
રશિયા પરમાણુ શક્તિ ધરાવતું રાષ્ટ્ર છે. આ સિવાય તેની પાસે હથિયારોનો મોટો સ્ટોક છે. રશિયા પાસે વિશ્વની સૌથી મોટી સેનાઓ પૈકીની એક છે. તે જ સમયે, રશિયા તેની મિસાઇલ ટેક્નોલોજીથી કોઈપણને કચડી નાખવાની શક્તિ ધરાવે છે. પુતિન પહેલેથી જ કહી ચૂક્યા છે કે જો કોઈ યુક્રેનના મુદ્દામાં દખલ કરશે તો તેને ઈતિહાસના સૌથી ખરાબ પરિણામો જોવા મળશે. એટલા માટે યુએસ અને નાટોના સભ્ય દેશો જાણે છે કે પુતિન સાથે સીધો મુકાબલો એ મહાન વિનાશનો અર્થ છે.

Most Popular

To Top