સુરત: (Surat) આખરે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લે છેલ્લે ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી સુરતીઓની બ્લડ પ્રેશર વધારી રહી છે. ગઈકાલે એટલેકે રવિવારે રાત્રે 70 હજાર ક્યૂસેક, ત્યારબાદ સોમવારે સવારે 1.25 લાખ, ત્યારેબાદ 1.50 લાખ અને બપોરે 3 વાગ્યા સુધીમાં તંત્રએ ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ પાણી છોડવાનો (Water Discharge) આદેશ આપી દીધો હતો. એટલું જ નહીં ઉપરવાસમાંથી આવતા પાણીને જોતા તંત્રએ સાંજે 4 વાગ્યા બાદ 1.95 લાખ ક્યૂસેક પાણી છોડવાની શરૂઆત કરી છે. જેને પગલે આગામી કેટલાક કલાકોમાં તાપી લબાલબ દેખાશે. તાપી નદી (Tapi River) બે કાંઠે વહેવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનો ભય ફરી સતાવી રહ્યો છે. જોવું એ રહ્યું કે હવે તંત્ર પરિસ્થિતિને કઈ રીતે મેનેજ કરે છે.
ઉપરવાસમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે સુરતની (Surat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં પાણીની સપાટી ડેનજર લેવલ 345 ફૂટની નજીક પહોંચી ગઈ છે, જેના લીધે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગયા શનિવારથી આજે સોમવાર સુધીમાં તંત્ર દ્વારા સતત ડેમની સપાટીનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને પાણી છોડવાના નિર્ણયો સતત બદલવામાં આવી રહ્યાં છે. આજે 1.25 લાખ ક્યૂસેકથી 1.50 લાખ ક્યૂસેક, ત્યારબાદ 1.75 અને હવે 1.95 લાખ ક્યૂસેક પાણી ઉકાઈમાંથી છોડવાનું નક્કી કરાયું છે. એટલું જ નહીં જો ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેશે તો તંત્ર દ્વારા વધુ પાણી છોડવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે. જેને લઈને ફરી સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે.
એક તરફ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હજી એક અઠવાડિયું વરસાદ પડવાની આગાહી છે. ત્યાં જ સુરતમાં સોમવારે પણ છુટોછવાયો વરસાદ ચાલુ છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી જો 2.50 લાખ કે તેનાથી વધુ પાણી છોડાશે તો તંત્રને ફ્લડ ગેટ બંધ કરવાની ફરજ પડશે. એવામાં શહેરમાં ગટરિયા પુરની શક્યતાઓ નકારી શકાય નહીં. જેને પગલે સુરતમાં નિચાણવાળા વિસ્તારમાં તેમજ ખાડી કિનારે રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.
વરસાદની સંપૂર્ણ સિઝન નીકળી ગયા બાદ ઉકાઈ ડેમ છેલ્લે છેલ્લે તંત્રની લેફરાઈટ કરાવી રહ્યો છે. ડેમમાં છેલ્લા 15 દિવસમાં જેટલી એલર્ટનેસ રાખવામાં આવી એટલી સમગ્ર ચોમાસા દરમિયાન જોવા મળી નહોતી. ઉકાઈ ડેમમાં ડેમના કેચમેન્ટ વિસ્તારમાં બે દિવસથી ફરી વરસાદ વરસતા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. જેને કારણે ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવાનું ચાલુ છે. બીજી બાજુ ગુલાબ વાવાઝોડું ત્રાટકવાથી હથનુર ડેમના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે હથનુર ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડાય તેવી સંભાવના છે. હાલ હથનુર ડેમમાંથી 45000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈ ડેમમાં ૧.૦૫ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. હવે ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટ છે. અને હાલ ડેમની સપાટી ૩૪૨.૦૪ ફૂટ નોંધાઈ છે. એટલે કે ડેમ ભયજનક સપાટીથી ત્રણ ફુટ નીચે છે. અને તેમાં વરસાદની ભારી આવકની સંભાવનાને પગલે તંત્ર દ્વારા પાણીનો મોટો જથ્થો છોડવાનું શરૂ કરાયું છે. ગઈકાલે રાત્રે ૯૮૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદ બપોરથી 175000 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે. તંત્રએ સાંજથી ફરી ડેમમાંથી ૧.૯૫ લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો છે.
૨૨થી વધુ ગામોને એલર્ટ
સિઝનમાં પહેલી વખત ઉકાઇ ડેમમાંથી બે લાખ ક્યૂસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. જેને કારણે સ્વાભાવિક રીતે તાપી નદી બે કાંઠે વહેતી થશે. આવા સંજોગોમાં તાપી તટના કેટલાક ગામો પાણી આવવાની સંભાવના રહેલી છે. તંત્ર દ્વારા ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાય તે પહેલા 22 થી વધારે ગામોને એલર્ટ જાહેર કરાયું છે.