SURAT

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં ઇન્ટેકવેલનું આખું સ્ટ્રક્ચર પાણીમાં ગરકાવ થઈ ગયું

વ્યારા: (Vyara) ઉકાઈ હિંદુસ્તાન પુલ નજીક પાણી પુરવઠાની ચાલી રહેલ ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન ગુજરાતમિત્રે પાણી પુરવઠાની સ્થળ પસંદગી સામે સવાલો ઉઠાવ્યા હતા, અને ઉકાઇ ડેમમાંથી (Ukai Dam) ચોમાસામાં (Monsoon) રેડિયલ ગેટ મારફતે પાણી છોડાય તો ઇન્ટેકવેલના સ્ટ્રક્ચરને નુકસાનીની દહેશત વ્યક્ત પણ કરી હતી. પરંતુ પાણી પુરવઠા વિભાગે ઉકાઇ ડેમ ઓથોરિટીની પરમિશન વિના અહીં સ્થળ પર પસંદગી ઉતારી મનસ્વી રીતે બાંધકામ ઠોકી બેસાડ્યું હોવાથી ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતાં ઇન્ટેકવેલનું આખુ સ્ટ્રક્ચર પાણીમાં ડૂબી ગયું હતું. જેથી સ્વભાવિક છે કે સ્ટ્રક્ચરને પણ નુકસાની થઈ હશે. જો કે, હજુ પાણી ઓસર્યા પાછી પણ અડધુ સ્ટ્રક્ચર પાણીમાં ડૂબેલું હોય તેની નુકસાનીનો અંદાજો હાલ કાઢી શકાય તેમ નથી.

  • ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં ઇન્ટેકવેલનું આખું સ્ટ્રક્ચર પાણીમાં ગરકાવ થઈ ગયું
  • માટી પુરાણનું પણ બેફામ ધોવાણ, સ્ટ્રક્ચરને પણ મોટી નુકસાનીની ભીતિ, ગુજરાતમિત્રે પાણી પુરવઠાની સ્થળ પસંદગી સામે સવાલો ઉઠાવ્યા હતા
  • કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પછી મશીનરી કે અન્ય પાર્ટ્સ, પાઇપલાઇન ડેમના પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જાય તો તેનો બિનજરૂરી બોઝો કોના શિરે? પસંદગી ઉતારનાર અધિકારીની જવાબદારી અહીં ફિક્સ થવી જરૂરી

હાલ ઉકાઇ ડેમ સામે હિંદુસ્તાન બ્રિજ પાસે ચાલતી આ ઇન્ટેકવેલની કામગીરી અધૂરી છે પણ કામ પૂર્ણ થશે. ત્યારે અહીં મોંઘી મશીનરીઓ પણ બેસાડવામાં આવશે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પછી આ મશીનરીને કોઇ મોટી નુકસાની થાય કે પછી મશીનરી કે અન્ય પાર્ટ્સ, પાઇપલાઇન ડેમના પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જાય તો તેનો બિનજરૂરી બોઝો કોના શિરે રહેશે? અહીં પાણી પુરવઠાના અધિકારીએ સ્થળ પસંદગી ઉતારી હોય ત્યારે સરકારી શિરે જે-તે સમય બોજો નંખાય એ પહેલા પસંદગી ઉતારનાર અધિકારીની જવાબદારી અહીં ફિક્સ થવી જરૂરી છે. ઉકાઈ ડેમના નીચાણવાસમાં તાપી નદીમાં પાણી પુરવઠા વિભાગે આ પ્લેટફોર્મ બનાવ્યું, તે હિન્દુસ્તાન પુલથી આશરે 300 મીટરના અંતરે છે. ઇન્ટેકવેલની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. આ ઇન્ટેકવેલને સંલગ્ન પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ, હેડ વર્ક્સ વગેરે બનાવવાનું કામ નજીકમાં આવેલા લીંબી ગામના એક ડુંગર પર ચાલી રહ્યું છે.

આ ઇન્ટેકવેલના સ્થળે બે મહિના પહેલાં પ્લેટફોર્મ બનાવવા માટે મોટા પ્રમાણમાં રેતી અને માટીથી નદીમાં પુરાણ કરવામાં આવ્યું હતું. હિન્દુસ્તાન પુલ ઉકાઈ ડેમના પાણી છોડવાના દરવાજાથી આશરે પાંચથી છ કિ.મી.ના અંતરે છે. ત્યારે ડેમમાંથી પાણી છોડવાના સમયે ઇન્ટેકવેલના પાયાને પાણીના જોરદાર દબાણનો સામનો કરવો પડ્યો છે. તેવામાં આ દબાણની સાથે સ્ટ્રક્ચરના પુરાણ સહિતના બાંધકામના ધોવાણ સામે ઇન્ટેકવેલનાં પાયાનું જોખમ પણ વધ્યું હોય તે સ્વભાવિક છે. ઉકાઈ ડેમ નજીક પ્લેટફોર્મ અને ઇન્ટેકવેલ બનાવવાની ડેમ ઓથોરિટીએ મંજૂરી આપી નથી. છતાં પાણી પુરવઠાએ અહીં ઇન્ટેકવેલની કામગીરી ચાલી રહી છે ત્યારે કામ ભલે ચોમાસા પછી પૂર્ણ થઈ જાય પણ ડેમમાંથી પાણી છોડાતા ઇન્ટેકવેલ પાણીમાં ડૂબી જતું હોય ત્યારે કામ પૂર્ણ થયા પછી તેની ગુણવત્તા પણ શંકાના દાયરામાં જ મુકાઈ છે.

ઉકાઇ ડેમના ધસમસતા પ્રવાહને કારણે કોઇ મોટી હોનારત કે નુકસાની ન થાય એ માટે છેલ્લાં ૫૦ વર્ષના ઇતિહાસમાં આ વિસ્તારમાંથી રેતીખનન માટે કોઈ લીઝ કે પરમિટ આપવામાં આવી નથી. માછીમારી માટે પણ પ્રતિબંધ મુકાયો છે. કોઇ અન્ય પ્લાન પણ મંજૂર કરાયો નથી, ત્યારે પાણીનાં આ ધસમસતા આ પ્રવાહ સામે તાપી નદીમાં પાણી પુરવઠા વિભાગે જોખમી પ્લેટફોર્મ બનાવી દીધું છે.

Most Popular

To Top