સુરત: સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતના (Surat South Gujarat) પાંચ જિલ્લાના 21 તાલુકાઓ માટે ખેતીવાડી સહિત પીવા માટે પાણી પુરવઠો પહોચાડતા ઉકાઇ ડેમની (Ukai Dam Touch 345 Foot) સપાટી આજે ભયજનક 345 ફુટે સ્પર્શ કરી ગઇ છે. આજે ગુરુવારે સવારે 6 કલાકે ડેમ તેના ડેન્જર લેવલ પર પહોંચ્યું હતું. જોકે, સ્થિતિ કંટ્રોલમાં છે. આ પહેલીવાર નથી જ્યારે ડેમ પૂરેપૂરો ભરાયો હોય. છેલ્લાં 3 વર્ષથી ડેમ સંપૂર્ણ ભરાઈ રહ્યો છે, અને છેલ્લાં 46 વર્ષમાં સંખ્યાબંધ વખત ડેમ ભરાયો છે.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે આ વરસે ડેમ છેલ્લા સ્પેલમાં છલોછલ ભરાઇ ગયો છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં આ વખતે ગુલાબ વાવાઝોડાની અસરને લઇને અનહદ પાણી આવ્યુ હતુ. ઉકાઇ ડેમમાંથી વિતેલા પંદર દિવસ દરમિયાન સારી એવી માત્રામાં પાણી તાપીમાં છોડી દેવાયુ છે. ઉકાઇ ડેમ આજે સવારે 6 વાગ્યાના ટકોરે 345 ફુટને પાર કરી ગયો હતો. ઉકાઇ ડેમ હવે ભયજનક સ્તરે પહોચી જતા તંત્રવાહકોએ જેટલુ પાણી આવે છે તે પુરેપુરુ છોડવા નિર્ણય કયો છે.
હાલ ડેમમાં ઇન્ફલો 24 હજાર કયુસેકસ છે જે પુરેપુરુ તાપીમાં છોડાઇ રહ્યું છે ઉલ્લેખનીય છે કે ઉકાઇ ડેમ પાંચ જિલ્લાના 21 તાલુકાની 25 સંસ્થાઓ તેમજ 105 જેટલા એકમોને પાણી પુરવઠો પુરો પાડે છે. સતત ત્રીજા વરસે ડેમ પુરેપુરો ભરાયો છે. હવે 3 વરસ સુધી સુરત સહિત પાંચ જિલ્લાના પાણીની કોઇ સમસ્યા રહેશે નહિં. આ પહેલીવાર નથી જ્યારે ડેમ પૂરેપૂરો ભરાયો હોય. 1975થી 2021ના 46 વર્ષમાં ડેમ 11 વખત સંપૂર્ણપણે ભરાયો છે.
ઉકાઇ ડેમ કયારે કયારે 345 ફુટને પાર થયો
- વર્ષ સપાટી
- 1975 345.10
- 1981 345.24
- 1988 346.06
- 1989 345.94
- 1990 346.17
- 1994 345.77
- 1998 346.04
- 2006 346.07
- 2019 345.04
- 2020 345.00
- 2021 345.00
આ અગાઉ સપ્ટેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ વરસવાના લીધે ડેમમાં 2 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ હતી, જેના પગલે ડેમમાંથી 2 લાખ ક્યૂસેક સુધી પાણી છોડવામાં આવી રહ્યું હોય તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી. આ સમય દરમિયાન ગુલાબ વાવાઝોડાની અસરના ભાગરૂપે હવામાન બગડ્યું હોય સુરતીઓના જીવમાં ઉચાટ થયો હતો. શહેરમાં પૂરની સ્થિતિ પણ ઉદ્દભવી હતી. જોકે, વરસાદ શાંત પડવા સાથે પરિસ્થિતિ કંટ્રોલમાં આવી હતી. હાલમાં ડેમના તંત્ર દ્વારા આવે તેટલું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.