સુરત: (Surat) શહેર અને જિલ્લામાં આજે સર્વત્ર વરસાદ (Rain) વરસ્યો હતો. સાથે જ ઉપરવાસમાં તો કેટલાક રેઈનગેજ સ્ટેશને ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે ડેમમાં પાણીની આવક શરૂ થતા ઉકાઈ ડેમની સપાટી ચોવીસ કલાકમાં એક ફુટ વધી છે. ઉકાઈ ડેમમાં (Ukai Dam) 32 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની સપાટી વધીને 335.11 ફુટે પહોંચી છે.
- ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ, ચોવીસ કલાકમાં ડેમની સપાટી એક ફુટ વધી
- જિલ્લામાં પણ સર્વત્ર 2 મીમીથી લઈ 18 મીમી સુધી વરસાદ નોંધાયો
હવામાન વિભાગે મધ્યપ્રદેશમાં લો પ્રેસર સિસ્ટમને પગલે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે જ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. આજે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા રેઈનગેજ સ્ટેશન ટેસ્કામાં 35 મીમી, લુહારામાં 27 મીમી, બુરહાનપુરમાં 93.60 મીમી, તલસવાડામાં 65.20 મીમી, હથનુરમાં 45.80 મીમી, ભુસાવલમાં 60.60 મીમી, સાવખેડામાં 24 મીમી, દહીગાવમાં 64.20 મીમી, ગીધાડેમાં 30 મીમી, શીરપુરમાં 42 મીમી વરસાદ નોંધાયો હતો.
શિંદખેડામાં 32 મીમી, ચાંદપુરમાં 107.80 મીમી, નિઝામપુરમાં 27 મીમી, નંદુરબારમાં 67 મીમી, દુસખેડામાં 71.40 મીમી, બામ્બરૂલમાં 100.60 મીમી, ઉકાઈમાં 32 મીમી, ચોપડવાવમાં 48 મીમી અને કાકડીયામ્બામાં 29 મીમી વરસાદ નોંધાયો છે. જેને કારણે હથનુર ડેમમાંથી 16 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ઉકાઈ ડેમમાં 32 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની સપાટી વધીને 335.11 ફુટે પહોંચી છે. અને ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું છે. સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના ઓલપાડમાં 10 મીમી, માંગરોળમાં 6, ઉમરપાડામાં 18, કામરેજમાં 3, સુરતમાં 11, ચોર્યાસીમાં 5 અને પલસાણા તથા બારડોલીમાં 2-2 મીમી વરસાદ નોંધાયો છે.
ધોધમાર વરસાદના પગલે શહેરના રાંદેર, અઠવા સહિત અનેક વિસ્તારોમાં 27થી વધુ વૃક્ષો ધરાશાયી
સુરત: ઘણા દિવસોના વિરામ બાદ શહેરમાં બે ત્રણ દિવસથી મેઘસવારી આગળ વધી છે. તેમાં પણ શુક્રવારની રાત્રે પડેલા મુશળધાર વરસાદ કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. જેમાં ઘણી જગ્યાએ તો વહેલી સવાર સુધી રહેતા સવારે કામધંધા પર જવા નિકળેલા વાહનચાલકો અટવાયા હતા. કેટલીક નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે. ધોધમાર વરસાદના પગલે શહેરના રાંદેર, અઠવા સહિત અનેક વિસ્તારોમાં 27થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા તો સચિન વિસ્તારમાં વરસાદના પગલે મકાનના અગાસીની દિવાલ તૂટી પડતા 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ ભારે વરસાદના પગલે તાપી નદીના જળસ્તરમાં વધારો થતાની સાથે જ સુરતનો વિયર કમ કોઝવે તેની ભયજનક સપાટીએ પહોંચ્યો હતો અને કોર્પોરેશન દ્વારા તેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.