સુરત: (Surat) આ વખતે ચોમાસું (Rain) ઘણું સારૂં રહેશે તેવું હવામાનશાસ્ત્રીઓ (Meteorologists) જણાવી રહ્યા છે ત્યારે ઉકાઈ ડેમ (Ukai Dam) આ વખતે વરસાદના પહેલા સ્પેલમાં જ ભરાય જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. હાલમાં જ ઉકાઈ ડેમ છલોછલ ભરેલો છે અને તેની હાલની સપાટી 319 ફુટ છે. ઉકાઈ ડેમ હાલમાં તેની 345ની ભયજનક સપાટીથી માત્ર 26 ફુટ જ દૂર છે.
- વરસાદની પહેલી સિઝનમાં જ ઉકાઈ ડેમ ભરાઈ જવાની સંભાવના, હાલની સપાટી 319 ફુટ
- ગત વર્ષે પણ ઉકાઈ ડેમની સપાટી 217 ફુટ હતી, આ વખતે ચોમાસું સારૂં રહેવાની આગાહી કરાઈ છે
છેલ્લા કેટલાક વર્ષોથી મેઘરાજા દક્ષિણ ગુજરાત (South Gujarat) પર મહેરબાન છે અને તેને કારણે દ.ગુ.માં સારો વરસાદ પડે છે. ગત વર્ષે પણ તા.1લી જુનના રોજ ઉકાઈ ડેમની સપાટી 317 ફુટ હતી. ગત વર્ષે સારો વરસાદ પડ્યો હોવાથી ઉકાઈ ડેમ પુરો ભરવામાં આવ્યો હતો. જોકે, આ વખતે ઉકાઈ ડેમની સપાટી ગત વર્ષ કરતાં બે ફુટ વધારે છે. એટલે જો વરસાદનું આગમન ધમાકેદાર થશે તો ડેમમાં સીધું 15થી 20 ફુટ પાણી આવી શકે તેમ છે. જેને કારણે ઉકાઈમાંથી આ વખતે પણ તાપી નદીમાં પાણી છોડવાની ફરજ પડે તેવી સંભાવના છે. આ વખતે ઉકાઈ ડેમમાં જે રીતે પાણીનું પ્રમાણ વધારે છે તે જોતાં ઉપરવાસમાં પડતા વરસાદ પર તંત્રએ ધ્યાન રાખવું પડશે તે નક્કી છે.
બુધવારથી સુરત જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ થયા
ઉકાઈ ડેમને કારણે સુરત જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમની જવાબદારી દર વર્ષે વધી જાય છે. ચોમાસાનો પ્રારંભ આગામી એક પખવાડીયામાં થઈ જવાનો હોવાથી નિયમ પ્રમાણે તા.1લી જુનથી સુરત જિલ્લાનો ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાના આદેશો કરી દેવાયા છે. ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુરત શહેર અને જિલ્લાની સાથે સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડતા વરસાદના ડેટાનું એનાલિલિસ કરવાની સાથે તેની પર નજર પણ રાખવામાં આવશે.