SURAT

સુરતમાં રેડ એલર્ટ આજથી જ લાગુ કરી દેવાયું, કલેક્ટરે વીડિયો મેસેજથી લોકોને કરી આ અપીલ

સુરત: સુરત (Surat) શહેરની જીવાદોરી ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદને (Rain) પગલે સપાટીમાં સડસડાટ વધારો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનાના પ્રારંભ સાથે ઉકાઈ ડેમમાં નવા નીરના આગમનનો પ્રારંભ થઈ ગયો હતો. આજે સોમવારે બપોરે 4 કલાકે ઉકાઈ ડેમની સપાટી 320 ફુટને વટાવી ચુકી છે. ઈનફલો 2 લાખને આંબી ગયો છે. હાલ તંત્ર દ્વારા ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદની સ્થિતિ વચ્ચે ડેમની સપાટી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

દરમિયાન સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું કે હવામાન વિભાગે જે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું તે હવે રેડ એલર્ટ થઈ ગયું છે. ઉમરપાડામાં આજે સોમવારે સવારે 6થી સાંજે 4 સુધીમાં 345 મિ.મી. વરસાદ પડ્યો છે. હજુ સતત વરસાદ પડી રહ્યો છે. ઉમરપાડાના 56 ગામોના 8 રસ્તા બંધ કરાયા છે. જિલ્લામાં કુલ 28 રસ્તા સાવચેતીરૂપે બંધ કરાયા છે. બપોરથી જ સ્થળાંતર શરૂ કરી દેવાયું છે. ઉકાઈ ડેમની સપાટી ઓછી છે. તેથી કોઈ ચિંતા નથી. હરીપુરા કોઝવે છલકાતા બંધ કરાયો છે. એનડીઆરએફની ટીમ ઓલપાડમાં છે જ્યારે એસડીઆરએફની એક ટીમ માંગરોળ મોકલાશે. ઉમરપાડાના 56 ગામોમાં એલર્ટ છે, પરંતુ પાણી ભરાયા નથી. કાચા મકાનો ખાલી કરાવાયા છે.

સુરત જિલ્લામાં 28 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા
જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, ભારે વરસાદના કારણે સુરત જિલ્લામાં 28 જેટલા કોઝવે, નાળા પરના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકામાં 13 ઈચ વરસાદ પડવાને કારણે તાલુકાના 8 જેટલા મેજર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ઉમરપાડાના 56 જેટલા ગામોમાં કાચા મકાનોમાં રહેતા રહીશોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. જયારે આ ગામોમાં આવેલા તળાવ, જળાશયો, ડેમોમાં કોઈ પણ માછીમારી ન કરે તે અંગેની સુચનાઓ પણ ગ્રામજનોને આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કોઈ માનવની જાનહાનિ ન હોવાનું કલેકટરે જણાવ્યું હતું.

કાકરાપાર વિયરમાંથી 60,000 ક્યૂસેક પાણી છોડાયું, હરિપુરા કોઝવે બંધ કરાયો
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કાકરાપાર વિયરમાંથી 60000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે હરિપુરા કોઝવેને બંધ કરવામાં આવ્યો છે. એન.ડી.આર.એફની એક ટીમ વધારી ટીમ વડોદરાની આવી હોવાથી ઓલપાડ તહૈનાત રાખવામાં આવી છે. વધુ એક એસ.ડી.આર.એફ.ની ટીમ મંગાવવામાં આવી છે જે માંગરોળમાં તહૈનાત કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.

ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો, પરંતુ સ્થિતિ કાબુમાં
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા ટેસ્લા સહિતના તમામ ગેજ સ્ટેશનોમાં ભારે વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે બપોરે ઉકાઈ ડેમની સપાટી 317.77 ફુટ હતી જે આજે સોમવારે બપોરે વધીને 320 ફુટને આંબી ગઈ છે. આમ, માત્ર એક જ દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં નોંધપાત્ર ત્રણ ફુટનો વધારો થવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા તમામે તમામ 18 ગેજ સ્ટેશન મળી કુલ 17 ઇંચ જેટલી વરસાદ ખાબક્યો છે. જે પૈકી ચીખલીધરામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ સહિત ઉકાઈ ડેમનાં ઉપરવાસમાં ભારે વરસાદની આગાહીના પગલે હાલ વહીવટી તંત્ર દ્વારા ડેમની સપાટી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

લોકોને પ્રવાસ નહીં ખેડવા સુરતના કલેક્ટરે કરી અપીલ
હવામાન વિભાગ દ્વારા સુરત શહેર – જિલ્લામાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવતાં જિલ્લા કલેકટર પણ હરસંભવ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ થઈ ચુક્યું છે. જો કે, હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા કલેકટર દ્વારા આજે સોમવારે ઓરેન્જ અને રેડ એલર્ટની આગાહીને પગલે નાગરિકોને સાવચેતી રાખવાની સાથે સાથે બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે

Most Popular

To Top