સુરત: ગુજરાતના (Gujarat) પાડોશમાં આવેલા મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્ય પ્રદેશમાં (MadhyaPradesh) હાલ બરાબર ચોમાસું જામ્યું છે. જેના પરિણામે ઉકાઈ ડેમમાં (UkaiDam) પાણીની આવકમાં (Inflow) વધારો થયો છે. શનિવારે હથનુર ડેમના (HathnurDam) 6 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં ડેમની સપાટીમાં એક જ દિવસમાં 2 ફૂટનો વધારો થયો છે, જેના પગલે ઉકાઈ ડેમની સપાટી શનિવારે બપોરે 312.34 ફૂટ નોંધાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં વરસી રહેલા વરસાદને કારણે તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આજે શનિવારે હથનુર ડેમના 6 દરવાજા 1.50 મીટર સુધી ખોલી 1,02,523 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે ઉકાઈની સપાટી 310.92ફૂટથી વધીને 312.34 ફૂટ પહોંચી હતી. 1 લાખ ક્યૂસેક જેટલી પાણીની આવક છતાં ઉકાઈ ડેમમાંથી હાલ માત્ર 600 ક્યુસેક જ છોડવામાં આવી રહ્યું છે.
વિદર્ભમાં સારા વરસાદને લીધે હથનુરની સપાટીમાં વધારો, નદી કિનારાના ગામોમાં એલર્ટ જાહેર
મધ્યપ્રદેશ અને વિદર્ભમાં સારો વરસાદ વરસતાં હથનુર ડેમની સપાટીમાં વધારો થયો છે. જેના કારણે પાણી છોડવાની સાથે જ નદી કિનારેના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં આ વર્ષે સિઝનમાં પહેલી વાર 1 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક જોવા મળી છે. જેથી ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ વર્ષે સૌ પ્રથમવાર 1 જુલાઈના રોજ 17,000 ક્યુસેક પાણીની આવક થઈ હતી જેના કારણે ડેમની સપાટીમાં આશરે અડધા ફૂટનો વધારો થયો હતો.
ઉકાઈ ડેમની સપાટી ગત વર્ષ કરતાં 7 ફૂટ ઓછી
હાલમાં દેશમાં વરસાદની પેટર્ન બદલાયેલી જોવા મળી રહી છે. દેશના ઉત્તર ભાગમાં વધુ વરસાદ વરસી રહ્યો છે અને તેમને પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે પશ્ચિમ ભાગના અનેક રાજ્યો અને પંથકોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. મહારાષ્ટ્ર અને ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ ન વરસતાં આ વર્ષે ડેમની સપાટી ગત વર્ષ કરતાં 7 ફૂટ ઓછી છે. ગત વર્ષે જુલાઈના મધ્ય સુધી ડેમની સપાટી 319.54 ફૂટ હતી. જેની સામે હાલમાં ડેમની સપાટી 312.34 ફૂટ છે.
સુરત જિલ્લાના પલસાણામાં 112 મીમી વરસાદ વરસ્યો
હથનુર ડેમમાંથી પાણી છોડવાના લીધે ઉકાઈ ડેમમાં પાણીની સારી આવક છે તો બીજી તરફ આજે શનિવારે સુરત જિલ્લામાં પણ સારો વરસાદ પડ્યો છે. આજે સૌથી વધુ પલસાણામાં 112 મીમી, સુરત સિટીમાં 72 મીમી, ઉમરપાડામાં 60 મીમી, ચોર્યાસીમાં 41 મીમી, કામરેજમાં 33 મીમી, મહુવામાં 29 મીમી, માંગરોળમાં 24 મીમી, બારડોલીમાં 22 મીમી તેમજ માંડવીમાં 2 મીમી વરસાદ પડ્યો છે.