SURAT

ઉકાઈ ડેમમાંથી મધરાત્રે 3 વાગ્યે 3.50 લાખ પાણી છોડાશે

હથનુર ડેમમાંથી 1.07 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
સુરત: દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાં સિઝનમાં પહેલી વખત પાણીનો મોટો જથ્થો આવી રહ્યો છે અને ડેમમાંથી પાણીની મોટી જાવક કરાઈ રહી છે. ડેમમાં આજે એક તબક્કે અધધધધ 5.83 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ઉપરવાસમાં પડેલા અણધાર્યા વરસાદે ડેમના સત્તાધિશોની ગણતરી ઉંધી પાડી દીધી છે. ડેમમાં પાણીની સપાટીને સલામત સ્તરે જાળવવા માટે રાત્રે 2.89 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવ્યો હતો.
મોડી રાત્રે મળતી માહિતી અનુસાર ઉકાઈ ડેમમાં પાણીની વધુ આવકને જોતાં ડેમના સત્તાધિશો દ્વારા રાત્રે ૩ કલાકે ડેમમાંથી ૩.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૩.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી પરના રિવરફ્રન્ટની સાથે સાથે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના રહેલી છે. જેમાં અડાજણ સ્વામીનારાયણ મંદિર પાસે, વેડરોડ, નાનપુરા કાદરશાની નાળ, રાંદેર હનુમાન ટેકરી, ધાસ્તીપુરા સહિતના નિચાણવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રેવાનગરમાંથી લોકોને સ્થળાંતર કરવું પડે તેવી શક્યતા પાલિકાના અધિકારીઓએ વ્યક્ત કરી હતી.


હથનુરડેમમાંથી સાંજે 6 વાગ્યે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. જેથી ઉકાઇડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ઉકાઇ ડેમની સપાટી આજે 345 ફૂટની ભયજનક સપાટીને આંબી જશે.
મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદે ઉકાઈ ડેમના સત્તાધીશોની ગણતરી ઉંધી પાડી દીધી છે. અત્યાર સુધી ડેમ ધીમી ગતિએ ભરાયો હતો. પરંતુ વિતેલા 48 કલાકમાં પડેલા વરસાદે જાણે પાણીનું તોફાન લાવી દીધું છે. હથનુર ડેમના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ પડેલા વરસાદને કારણે હથનુરની સપાટી ૨૧૧.૩૦૦ મીટરે પહોંચતાં હથનુરના ૪૧ દરવાજા ખોલી ૨૫૯૩૮૩ ક્યુસેક પાણી ડીસ્ચાર્જ કરાયું હતું. સાંજે ૫ વાગે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમની સપાટી ૧૦૯.૪૦ નોંધાઇ હતી, જેનાં ૨૭ ગેટ ખોલી ૪૮૮૪૬૬ ક્યુસેક પાણી ડીસ્ચાર્જ કરાયું હતું. જેને પગલે ઉકાઈ ડેમમાં તો પાણીનો સેલાબ જોવા મળ્યો છે. આજે સવારે 7 વાગે ડેમમાં 4.53 લાખ ક્યુસેક પાણીની આવક હતી. જે બપોરે 12 વાગ્યા સુધીમાં વધીને 5.83 લાખ ક્યુસેક સુધી પહોંચી ગઈ હતી.

ઉકાઈમાં પાણીની વધતી આવક જોઈને ડેમના સત્તાધીશો ક્ષણભર માટે ફફડી ઉઠ્યા હતા. કારણકે ઉકાઈ ડેમ હાલ ડેન્જર લેવલ ઉપર છે. ડેમનું રૂલ લેવલ 345 ફુટ છે અને ડેમની સપાટી 342 ફુટને વટાવી ગઈ છે. એટલે કે રૂલ લેવલ કરતા સપાટી માત્ર 3 ફુટ નીચે છે. ડેમ હાઈએલર્ટ મોડ ઉપર છે. રાત્રે 10 વાગ્યે ડેમની સપાટી 342.86 ફુટે પહોંચી હતી. જ્યારે ડેમમાં પાણીની આવક 5.34 લાખ ક્યુસેક અને પાણીની જાવક 2.89 લાખ ક્યુસેક નોંધાઈ હતી. ઉકાઈ ડેમના 7 ગેટ 10 ફુટ અને 8 ગેટ 9 ફુટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે સિઝનમાં પહેલી વખત તાપી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે.

તાપી નદી કિનારા હેઠવાસના અસરગ્રસ્ત ગામો
(૧) બલાલતીર્થ,કાકરાપાર (૨),વરેઠ (3) ,નાનીચેર (૪) મોટીચેર (5)રતનીયા (૬) તરસાડાબાર (૭) ,માંડવી (૮) ,વાધનેરા (૯), ઉશ્કેરખુર્દ (૧૦),પુના (૧૧) ,કાકડવા (૧૨) ,ખેડપુર (૧૩) વરજાખણ (૧૪) ,જાખલા (૧૫) કોસાડી (૧૬) ઉન (૧૭) , (૧૮) ઉમરસાડી,કમલાપોર (૧૯),પાટણા (૨૦),વરેલી (૨૧) ,બૌધાન ગામોને માંડવી મામલતદાર દ્રારા સાવચેતીના પગલાઓ લેવા માટે તલાટી સરપંચોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉપરવાસમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલો વરસાદ
વિસ્તાર વરસાદ (મીમી)
કાકડીયામ્બા 56
ચોપડવાવ 102
કુકરમુંડા 73
નિઝર 67
દેડતલાઈ 30
નવથા 50
બુરહાનપુર 29
સાવખેડા 28
ગીધાડે 36
સારંગખેડા 47
શીરપુર 27
શીંદખેડા 39
દામરખેડા 63
વેલદા 54
ચાંદપુર 65
નિઝામપુર 35
ખેતીયા 51
નંદુરબાર 63
નરાને 32
માલપુર 43

ત્રણ ફાયર સ્ટેશનની ટીમોને સ્ટેન્ડબાય રખાઈ
તાપી નદીમાં પાણીની વધતી આવકને પગલે સુરત મનપા તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. તમામ ઝોનને એલર્ટ રહેવા સુચના આપી દીધી છે. સુરત શહેરમાં ખાસ કરીને તાપી કિનારાના વિસ્તારમાં પાણી ઘુસી જતા હોય, મનપા દ્વારા શીફ્ટીંગની કામગીરી માટે ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે હાલમાં શહેરમાં મોરા ભાગળ, અડાજણ અને પાલનપોર ફાયર સ્ટેશન પર ફાયર ઓફિસર સહિતની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ મશીનરી સાથે ડિવોટરીંગ પંપ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

Most Popular

To Top