World

પાર્ટીગેટના અહેવાલ પછી યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જહોનસનનું સાંસદપદેથી પણ રાજીનામુ

લંડન: ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન (UK PM) બોરિસ જહોનસને આજે અચાનક સાંસદ તરીકે પણ રાજીનામુ (Resignation) આપી દીધું હતું. લોકડાઉનના (Lockdown) નિયમોનો ભંગ કરીને વડાપ્રધાન આવાસમાં પાર્ટીઓ કરવા બાબતે સંસદને ગેરમાર્ગે દોરવા માટે તેમના પર પ્રતિબંધ મૂકાઇ શકે છે તેવું એક સંસદીય સમિતિએ જણાવ્યા બાદ તેમણે રાજીનામુ આપી દીધું હતું.

  • લૉકડાઉન વખતે પાર્ટી કરવાનું ભારે પડી ગયું, વડાપ્રધાનપદ પછી હવે સાંસદપદ પણ ગુમાવ્યું
  • સંસદની વિશેષાધિકાર સમિતિના અહેવાલ પછી રાજીનામુ, પોતે વેરવૃત્તિનો ભોગ બન્યો હોવાનો દાવો

સંસદની વિશેષાધિકાર સમિતિ દ્વારા લખાયેલ એક ગોપનીય પત્ર મળ્યા બાદ જહોનસને આજે રાજીનામુ આપી દીધું હતું પરંતુ તે સાથે જ તેમણે આ સમિતિની તપાસને કાંગારૂ કોર્ટ સાથે સરખાવી હતી અને કહ્યું હતું કે પોતે વેરવૃત્તિનો શિકાર બન્યા છે. બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના નેતા એવા ૫૮ વર્ષીય જહોનસન બ્રેકઝિટના મુખ્ય નિર્માતા છે. કોરોનાવાયરસના રોગચાળા વખતે જયારે લૉકડાઉનના સખત નિયમો અમલમાં હતા ત્યારે આ નિયમોનો ભંગ કરીને વડાપ્રધાન આવાસમાં તેમણે પાર્ટી યોજી હતી. આ વાત બહાર આવતા ભારે ઉહાપોહ થયો હતો અને તેમણે આ મુદ્દે છેવટે વડાપ્રધાનપદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. અને વિશેષાધિકાર સમિતિના અહેવાલ પછી તેમણે આજે સંસદ સભ્ય તરીકે પણ રાજીનામુ આપ્યું છે.

વિશેષાધિકાર સમિતિને માર્ચ મહિનામાં આપવામાં આવેલા પુરાવા પછી જહોનસને કબૂલ્યું હતું કે પોતે સંસદને ગેરમાર્ગે દોરી હતી પરંતુ તે સાથે એમ પણ કહ્યું હતું કે પોતે ઇરાદાપૂર્વક આવું કર્યું ન હતું. પાર્ટીઓ અંગે તેમણે એવું કહ્યું હતું કે આ આવશ્યક કામના કાર્યક્રમો હતા જેમની મંજૂરી હતી પણ સાથે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન આવાસમાં યોજાયેલ આ કાર્યક્રમોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું બરાબર પાલન થયું ન હતું. હાલના વડાપ્રધાન અને તે સમયના નાણા મંત્રી ઋષિ સુનકને પણ આ મેળાવડાઓમાં ભાગ લેવા બદલ ગયા વર્ષે મહાનગર પોલીસ દ્વારા દંડ કરાયો હતો.

Most Popular

To Top