પારડી : ઉદવાડા (Udvada) -પરિયા (Pariya) માર્ગ પર મંગળવારે બપોરના 1 વાગ્યાના સુમારે સરોધી (Sarodhi) ગામે લાલદરવાજા પાસે ટેમ્પા (Tempo) ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે આવી રોડ પર પાર્ક કરેલી કાર (Car) અને બાઈકને (Bike) અડફેટે લેતા ટેમ્પો ઘરમાં ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં (Accident) કારનો ભુક્કો બોલાવી દીધો હતો. અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી.
- ઉદવાડા-પરિયા માર્ગ પર સરોધી ગામ પાસે ટેમ્પો ઘરમાં ઘૂસી ગયો
- ચાલકે પુરઝડપે આવી રોડ પર પાર્ક કરેલી કાર અને બાઈકને અડફેટે લેતા કારનો ભૂક્કો
ટેમ્પો નં. જીજે-15 At 8483ના ચાલકે પ્રથમ રોડની સાઈડ પર પાર્ક કરેલી બાઈકને ઉડાવી હતી ત્યારબાદ કારનો ભુક્કો બોલાવી દીધો હતો. અકસ્માતમાં મકાન માલિક દેવુભાઈ મંજીભાઈ પટેલ અને રામુભાઈ છનાભાઈ પટેલના ઘરના 10 પતરાં અને થાંભલી ભાંગી ગઇ હતી. સદનસીબે ઘર આંગણે નાના બાળકો રમતા ન હતા જેના કારણે તેઓનો ચમત્કારી બચાવ થયો હતો. અકસ્માતની જાણ પોલીસને થતા સ્થળ પર દોડી આવી હતી. જોકે ટેમ્પા ચાલક અને ક્લીનર સ્થળ પરથી ભાગી છુટ્યા હતા.
સુખેશમાં ટેમ્પાની પાછળ મોપેડ અથડાતા યુવાનનું મોત
પારડી : પારડીના સુખેશ ગામે વાણિયા ફળિયામાં રહેતા અને રિક્ષા ભાડે ફેરવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મિતેશ ધનસુખ પટેલ (ઉંવ.31) રવિવારે રાત્રે મોપેડ પર નાનાપોંઢાથી પારડી તરફ જઈ રહ્યો હતો. ત્યારે સુખેશ ગ્રામ પંચાયત સામે આગળ ચાલતા ટેમ્પોમાં પાછળથી ધડાકાભેર ઘૂસી જતા માથા તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મિતેષ પટેલનું મોત નીપજ્યું હતું. મિતેશ પરિણીત હતો અને તેને બે સંતાન હતા. અકસ્માતમાં મોતથી મિતેશના પરિવારજનો તેમજ તેના ગામમાં શોકની કાલીમા પ્રસરી ગઇ હતી. આ બનાવ સંદર્ભે મિતેશના પિતા ધનસુખ પટેલે પારડી પોલીસ મથકે ટેમ્પા ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તવડી ગામ પાસે ટ્રેનમાંથી પડી જતા સુરતના યુવાનનું મોત
નવસારી : તવડી ગામ પાસે રેલવે બ્રિજ પાસે ટ્રેનમાંથી પડી જતા સુરતના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, સુરતના એ.કે.રોડ રૂસ્તમ બાગ મંદિર પાસે શૌચાલયની પાછળ શિવનગર સોસાયટીમાં ધનરાજભાઈ હરીભાઈ મહાજન (ઉ.વ. 38) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 13મીએ ધનરાજભાઈ કોઈ ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા. દરમિયાન નવસારીના તવડી ગામ નજીક રેલવે બ્રિજ પાસે ટ્રેનમાંથી પડી ગયા હતા. જેના કારણે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ લોટનભાઈએ મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. નઈમખાનને સોંપી છે.