સુરત : ‘તને કાપીને દાટી દઇશ અને કોઇને પણ ખબર નહી પડે અને તારા ખાતાનું બાંધકામ પણ તોડાવી નાખીશ’ તેવી ધમકી ખંડણીખોર પત્રકારે કારખાનેદારને આપી તેમની પાસેથી બાંધકામ નહીં તોડાવવા માટે બળજબરીથી રૂપિયા 22,00,000 કઢાવી લીધા હતા. તેમ છતાં પાલિકાના ઉધના ઝોન દ્વારા બાંધકામ તોડી પડાયું હતું. કારખાનેદારે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે ખંડણીખોર પત્રકાર સામે ખંડણીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- ખંડણીખોર પત્રકારે ઉધનાના કારખાનેદારને બાંધકામ તોડી પાડવાની ધમકી આપી રૂપિયા 22 લાખ પડાવી લીધા
ઉત્રાણ મોટા વરાછા ખાતે આવેલા સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા અને ઉધના નવસારી-રોડ બી.આર.સી ગેટ પાસે આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડ્સ્ટ્રીયલ પાર્કમાં અવધ ફેબ્રિક્સના નામે ટેક્સટાઇલનો વેપાર કરતા અલ્પેશભાઇ દિનેશભાઇ ઘેલાણીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ખંડણીખોર પત્રકાર પ્રકાશ સામે ગુનો નોંધાવ્યો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત તા.20 જૂન 2024 થી 05 ડિસેમ્બર 2024 દરમિયાન આરોપી પત્રકાર પ્રકાશ રાઠોડ ઉપરોક્ત ફેક્ટરી પર આવ્યો હતો. અને બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી નહીં તોડવા માટે અલ્પેશભાઇ પાસેથી રૂપિયા 30,00,000 ની માંગણી કરી હતી. અને રૂપિયા 25,21,721 આપવાના નક્કી થયા હતા. જે મુજબ અલ્પેશભાઇએ ટુકડે-ટુકડે રૂપિયા 22,00,000 આપી દીધા હતા. જ્યારે બાકીના રૂપિયાની સગવડ નહીં હોવાનું જણાવ્યું હતું.
જેથી ખંડણીખોર પત્રકાર પ્રકાશ અલ્પેશભાઇના કારખાના પર આપી પહોંચ્યો હતો અને તને કાપીને દાટી દઇશ અને કોઇને પણ ખબર નહીં પડે અને તારા ખાતાનું બાંધકામ પણ તોડાવી નાંખીશ તેવી ધમકી આપી નાસી ગયો હતો. દરમિયાન પાલિકાના ઉધના ઝોન દ્વારા ઉપરોક્ત બાંધકામ તોડી પાડ્યું હતું. જેથી ખંડણીખોર પત્રકાર પ્રકાશ પાસેથી રૂપિયાની માંગણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે ઉધના પોલીસે અલ્પેશભાઇની ફરિયાદના આધારે ખંડણીખોર પત્રકાર પ્રકાશ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
